Dengue Remedies: ડેન્ગ્યુના મચ્છરથી સુરક્ષિત રહેવા ઇચ્છો તો ઘરમાં લગાવો આ 4 પ્લાન્ટ્સ
શું આપ જાણો છો કેટલાક એવા છોડ છે જેનાથી મચ્છર દૂર ભાગે છે. તો આપ મચ્છરના ઉપદ્રવથી પરેશાન હો તો ઘરની આસપાસ આ છોડ વાવીને મચ્છરના ઉપદ્રવથી મુક્તિ મેળવી શકો છો
Dengue Remedies: દેશમાં ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેના કેસો જુદા જુદા વિસ્તારોમાંથી નોંધાઈ રહ્યા છે. આ એક ગંભીર રોગ છે જેની યોગ્ય સમયે સારવાર ન મળે તો જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં આનાથી બચવા માટે યોગ્ય ઉપાયો અપનાવવા જરૂરી છે. ડેન્ગ્યુ એ મચ્છરોથી થતો રોગ છે, જેના માટે મચ્છરોથી બચવું જરૂરી છે.
ડેન્ગ્યુ હાલમાં દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. વિવિધ ભાગોમાંથી ડેન્ગ્યુના કેસ સતત નોંધાઈ રહ્યા છે. વરસાદની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ અવારનવાર વધી જાય છે. આવી સ્થિતિમાં, આ સિઝનમાં મચ્છરોને કારણે ઘણી બીમારીઓનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. ડેન્ગ્યુ આ બીમારીઓમાંથી એક છે, જે હાલમાં દેશભરમાં પરેશાનીનું કારણ છે.
ખાસ કરીને વરસાદની સિઝનમાં પાણી જમા થવાને કારણે મચ્છરોની સંખ્યા વધવા લાગે છે. આ મચ્છરો, જે પાણી ભરાવાને કારણે ઉત્પન્ન થાય છે, તે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા અનેક ગંભીર રોગોનું કારણ બને છે. આવી સ્થિતિમાં આ બીમારીઓથી દૂર રહેવા માટે મચ્છરોથી બચવું જરૂરી છે. સામાન્ય રીતે લોકો મચ્છરોથી બચવા માટે કોઇલ, ક્રીમ, સ્પ્રે, મેટ જેવા વિવિધ ઉપાયો અપનાવે છે. જો કે, તમે કેટલાક ઘરેલું ઉપચારની મદદથી પણ તેનાથી છુટકારો મેળવી શકો છો. આવા જ કેટલાક છોડ વિશે જણાવીશું, તેને ઘરે લગાવીને તમે સરળતાથી મચ્છરોથી છુટકારો મેળવી શકો છો.
તુલસીનો છોડ
તુલસી એક એવો છોડ છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. તેના ધાર્મિક મહત્વના કારણે લોકો તેને પોતાના ઘરમાં લગાવે છે, પરંતુ શું તમે જાણો છો કે ધાર્મિક મહત્વની સાથે તુલસી તમારી આસપાસના વાતાવરણને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે. તેને ઘરની બહાર, દરવાજા કે બારી પાસે લગાવવાથી મચ્છર તેની ગંધથી દૂર ભાગશે.
લીમડાનો છોડ
ઔષધીય ગુણો માટે પ્રખ્યાત લીમડો અનેક પ્રકારની સમસ્યાઓ માટે રામબાણ છે. તે ત્વચા અને વાળની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો કે, તે મચ્છરોને દૂર રાખવામાં પણ ખૂબ મદદરૂપ છે. જો તમે મચ્છરો તેમજ માખીઓ અને અન્ય જીવજંતુઓને તમારા ઘરથી દૂર રાખવા માંગતા હોવ તો લીમડાનો છોડ લગાવવો ફાયદાકારક રહેશે. તેને તમારા બગીચામાં લગાવવાથી, તમારા ઘરની આસપાસ મચ્છરો દેખાશે નહીં.
લવંડરનો છોડ
મચ્છરોને ઘરથી દૂર ભગાડવા માટે તમે લવંડરના ફૂલોની મદદ પણ લઈ શકો છો. તેની સુગંધ આપણા ઘરની આજુબાજુના વાતાવરણને સુગંધિત તો બનાવશે જ, સાથે આ સુગંધ તમારા ઘરની આસપાસ મચ્છરોને ભટકતા પણ અટકાવશે. તમે આ છોડને કૂંડામાં પણ લગાવી શકો છો.
ગલગોટાનો છોડ
મેરીગોલ્ડ ફૂલ, જેનો ઉપયોગ સામાન્ય રીતે પૂજામાં થાય છે, તે તમને મચ્છરોથી બચવામાં પણ મદદ કરી શકે છે. મચ્છરોને તેની સુગંધ બિલકુલ પસંદ નથી, જેના કારણે તેઓ તમારા ઘરથી દૂર રહે છે. તમે બગીચામાં અથવા ઘરની બહાર કુંડામાં મેરીગોલ્ડનો છોડ વાવી શકો છો.