Patient Rights: હોસ્પિટલ સારવાર આપવાની કે દાખલ કરવાનો કરે ઇન્કાર તો ક્યાં કરશો ફરિયાદ, જાણો પેશન્ટ રાઇટ્સ
Patient Rights: તમને એ જાણ હોવી જોઇએ કે, દર્દીને ઘણા અધિકારો હોય છે, જો કોઈ ડૉક્ટર અથવા હોસ્પિટલ આ અધિકારોને સ્વીકારવાનો ઇનકાર કરે છે તો તેની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.
Patient Rights:કોઈપણ ગંભીર બીમારી કે ઈમરજન્સીના કિસ્સામાં એક હોસ્પિટલ કામમાં આવે છે, જ્યાં દર્દીનો જીવ બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે અને તેની સારવાર કરવામાં આવે છે. જો કે, એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં એવું જોવા મળ્યું છે કે, હોસ્પિટલે દર્દીને દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો અથવા અન્ય કોઈ બહાને સારવારથી ઇન્કાર કર્યો હતો. આવી સ્થિતિમાં જો તાત્કાલિક સારવાર ન મળે તો ક્યારેક દર્દીનું મૃત્યુ પણ થઈ જાય છે. હવે જો ક્યારેય તમારા કોઈ સંબંધી કે મિત્ર સાથે આવું થાય તો તમે તે હોસ્પિટલ સામે ફરિયાદ કરી શકો છો. ફરિયાદ કયાં કરવી જાણીએ..
દર્દીના અધિકારો શું છે?
સૌ પ્રથમ દર્દીઓએ તેમના અધિકારો વિશે જાણવું જોઈએ. દર્દીનો પ્રથમ અધિકાર યોગ્ય સારવાર મેળવવાનો છે. દર્દીઓને તેમના રોગ વિશે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. આ સિવાય દર્દીને આપવામાં આવતી દવાઓ વિશે જાણવાનો પણ અધિકાર છે. દર્દીઓ ડૉક્ટરની લાયકાત વિશે પણ પૂછપરછ કરી શકે છે. એટલું જ નહીં, દર્દીને તેની બીમારીને ગુપ્ત રાખવાનો પણ અધિકાર છે.
તમે અહીં ફરિયાદ કરી શકો છો
હકીકતમાં, દેશની કોઈપણ હોસ્પિટલ દર્દીને સારવાર આપવાનો ઇનકાર કરી શકે નહીં, આ નિયમોની વિરુદ્ધ છે અને તે હોસ્પિટલ સામે કડક કાર્યવાહી થઈ શકે છે. જો કોઈપણ હોસ્પિટલ સારવારનો ઇનકાર કરે છે, તો તમે તેની ફરિયાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને કરી શકો છો. આ માટે વિવિધ રાજ્યોએ હેલ્પલાઈન નંબર આપ્યા છે. જો હોસ્પિટલ કેન્દ્ર સરકારની છે તો તમે સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર જઈને ફરિયાદ કરી શકો છો.
કડક કાર્યવાહી થઈ શકે છે
આ સિવાય તમે ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમ એટલે કે કન્ઝ્યુમર કોર્ટમાં પણ આ અંગે ફરિયાદ કરી શકો છો. અહીં તમે હોસ્પિટલ અથવા ડૉક્ટર વિશે ફરિયાદ કરી શકો છો. તમે કોર્ટમાં કેસ પણ દાખલ કરી શકો છો. તમે પોલીસમાં FIR પણ નોંધાવી શકો છો. જો બેદરકારીના કારણે દર્દીનું મૃત્યુ થાય છે, તો IPCની કલમ 304 હેઠળ કેસ નોંધી શકાય છે. જે અંતર્ગત ગુનેગારને બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તમે સ્ટેટ મેડિકલ કાઉન્સિલ અને ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલને પણ ફરિયાદ કરી શકો છો.