Gujarat Rain: અમદાવાદના આ વિસ્તારમાં 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Gujarat Rain Upadate: અમદાવાદમાં પ્રથમ વરસાદ જાણે કહેર બનીને આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હાલમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
Gujarat Rain Upadate: અમદાવાદમાં પ્રથમ વરસાદ જાણે કહેર બનીને આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ ઉસ્માનપુરમાં 3.5 ઇંચ, ચકુડિયામાં 2.5, ઓઢવમાં 2.5 અને વિરાટનગરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી કોતરપુર, મણિનગર, ખમાસા અને મેમકો વિસ્તારમાં પોણા બેથી બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી ટાગોર કંટ્રોલમાં દોઢ, ચાંદખેડામાં સવા, બોડકદેવમાં દોઢ, સાયન્સ સિટીમાં એક, ગોતામાં એક, સરખેજમાં એક, દુધેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ એવરેજ અમદાવાદમાં દોઢ ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો. હાલમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.ભારે વરસાદને પગલે પીઠાખળી અને વિરાટનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.
ભારે ઉકળાટ બાદ આખરે અમદવાદમાં મેઘ મહેર થઈ છે. શહેરમા અનેક વિસ્તામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે પ્રથમ વરસાદમાં જ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના રોડ રસ્તા સહિત અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. રોડ જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અનેક લોકોના વાહનો પાણીમાં બંધ પડી ગયા છે. આ ઉપરાંત એક એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઈ હતી. અમદાવાદના હાટકેશ્વર સર્કલ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા હાટકેશ્વર સર્કલ પાણીમાં ગરકાવ થયું છે. ઢીંચણથી ઉપર સુધીના પાણી ભરાતા લોકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંજ વેજલપુર, નિકોલ, પ્રહલાદ નગરમાં પણ પાણી ભરાયા છે. આ ઉપરાંત પ્રહલાદનગર ગાર્ડન પાસે રસ્તાની વચ્ચોવચ વૃક્ષો ધરાશાયી થયું છે. રસ્તાની બચ્ચોવચ્ચ વૃક્ષ પડતા ટ્રાફીકની સમસ્યા સર્જાઈ છે.
ભારે વરસાદને પગલે વડોદરાનું આ ગામ બન્યું સંપર્ક વિહોણું
વડોદરાના ડભોઇ તાલુકાનું છેવાળાનું આશગોલ ગામ ભારે વરસાદના કારણે સંપર્ક વીહોણું બન્યું છે. ઉપરવાસમાં વરસાદને પગલે હેરન નદી ગાંડી તૂર બની છે. બે ગામોને જોડતું નાળું ધોવાઈ જતા રોડ બેટમાં ફેરવાયો હતો. હાલમા આ નાળાની નબળી કામગીરીને લઈને પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. ભારે વરસાદને પગલે આશગોલ ગામના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ડભોઇ તાલુકાના આસગોલ ઉપરાંત પારા ગામનો સંપર્ક પણ ખોરવાયો છે. ગામમાં જવાના એકમાત્ર મુખ્ય માર્ગ પરની કરના ખાડીમાં હેરણ નદીના પાણી ફરી વળતા માર્ગ બંધ થયો છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ૬૦૦ જેટલા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે. છેલ્લા ઘણા સમયથી ચોમાસામાં હેરણ નદીના પાણી કરન ખાડીમાં ફરી વળે છે, તેમ છતા તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન લાવવામાં આવ્તા ગ્રામજનોને હાલાકી વેઠવી પડે છે.
કપરાડામાં 14 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ
વલસાડના કપરાડામાં 14 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. હાલમાં મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમ માંથી નદીમાં 21900 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. વાપી નજીક દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થય છે. સાવચેતીના ભાગરૂપે લોકોને નદી કિનારા નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. જો કે, આ બધાની વચ્ચે તંત્રના સૂચનનો અનાદર કરી કેટલાક લોકો ધસમસતી નદીના પ્રવાહ નજીક પહોંચ્યા હતા. આગામી બે દિવસમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.