Ahmedabad Rain: વરસાદે જુનાગઢ બાદ અમદાવાદને ઘમરોળ્યું,શહેરના અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી, વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા
Ahmedabad Rain: જુનાગઢ બાદ હવે મોડી સાંજે અમદાવાદમાં વરસાદે તોફીની બેટિંગ કરી છે. ભારે વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઓફીસ છૂટવાના સમયે વરસાદ ખાબકતા વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા છે.
Ahmedabad Rain: જુનાગઢ બાદ હવે મોડી સાંજે અમદાવાદમાં વરસાદે તોફીની બેટિંગ કરી છે. ભારે વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઓફીસ છૂટવાના સમયે વરસાદ ખાબકતા વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા છે. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ બોપલ વિસ્તારમાં ખાબક્યો છે. અહીં 7 ઈંચ વરસાદ પડતા ચારેકોર પાણી જ પાણી થઈ ગયા છે. શહેરના રાણીપ, વાડજ, શેલા, શિલજ, વૈષ્ણોદેવી, CTM, શિવરંજની, જીવરાજ, શ્યામલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
તો બીજી તરફ આનંદનગરનું ઔડા તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતા આસપાસના ફ્લેટમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે. બોપલ વિસ્તારમાં ફરી ધોધમાર વરસાદ શરુ થયો છે. જેના કારણે બોપલ પોલીસ સ્ટેશન પરિસરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. વરસાદી પાણીને કારણે સેંકડો વાહનો બંધ થયા છે. અનેક વિસ્તારમાં વરસાદી પાણીમાં ગટરના પાણી મિક્સ થયા છે. સરસપુરમાં પણ અનેક ઘરોમાં પાણી ધૂસ્યા છે.
અમદાવાદમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ આપવામા આવ્યું
હાલમાં ભારે વરસાદને કારણે સ્ટેડિયમ છ રસ્તા પાસે અનેક લોકો ફસાયા છે. બોપલ, આંબલીના રહેવાસીઓ ત્રણ- ત્રણ કલાક થવા છતા પોતાના ઘરે પહોંચી શક્યા નથી. શહેરના વસ્ત્રાપુર, વાસણા, નિકોલમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. બોપલમાં કરોડોની કિંમતના બંગલામાં પાણી ભરાયા છે. હજુ પણ કેટલાક વિસ્તારમાં જળભરાવ સતત યથાવત છે. વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા બાદ સ્થિતિ હજુ બેકાબૂ બનેલી છે. આવતીકાલ સવાર સુધી અમદાવાદમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ આપવામા આવ્યું છે. અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની અંબાલાલની આગાહી કરવામાં આવી છે.
- સૌથી વધુ અમદાવાદના બોપલમાં 7 ઈંચ વરસાદ
- મકતમપુરા અને ચકુડિયામાં પોણા છ ઈંચ વરસાદ
- ઉસ્માનપુરા, ચાંદખેડા અને ગોતામાં પાંચ ઈંચ વરસાદ
- સરખેજ, જોધપુરમાં સવા પાંચ ઈંચ વરસાદ
- મેમ્કો, કોતરપુરમાં ચારથી પાંચ ઈંચ સુધીનો વરસાદ
કર્ણાવતી ક્લબ પાછળના વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકો પરેશાન થયા છે. અમદાવાદમાં સાત સ્થળો પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અખબારનગર અન્ડરપાસમાં BRTS ફસાઈ છે. આ ઉપરાંત અમદાવાદમાં AMTSની 10 બસ બંધ પડી છે. રાણીપ અને અસારવામાં લોકોના ઘરમાં પાણી ધૂસ્યા છે. નવા વાડજમાં માધવબાગ સોસાયટીમાં પાણી ભરાયા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial