રાજ્યમાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં 7 હજારથી વધુ બાળકોને અપાયો પ્રવેશ, જાણો કઈ તારીખે ડોક્યૂમેન્ટ જમા કરાવવા પડશે
ગાંધીનગર: રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતિ આવતા શૈક્ષણિક વર્ષ 2025-26માં રાજયની કુલ 9,814 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ 94,798 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી.

ગાંધીનગર: RTE એક્ટ-૨૦૦૯ અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત તા. ૨૧ મે, ૨૦૨૫ના રોજ યોજાયેલા RTE પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડ બાદ વધુ ૭,૦૦૬ જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. ૨૮ મે, ૨૦૨૫, બુધવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ હાજર થઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે.
અરજદારોની પસંદગીના અભાવે જાણો કેટલી જગ્યા ખાલી રહી
RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ગુજરાતી માધ્યમની ૭૨૮, અંગ્રેજી માધ્યમની ૪,૫૬૪, હિન્દી માધ્યમની ૧,૯૨૦ અને અન્ય માધ્યમની ૧૬૬ એમ કુલ ૭,૩૭૮ જેટલી જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે.
કુલ 94,798 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી
રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતિ આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં રાજયની કુલ ૯,૮૧૪ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ ૯૪,૭૯૮ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિદ્યાર્થીઓની પસંદગી અને ૬ કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં ૮૬,૨૬૪ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં ૮૦,૪૫૩ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લીધો છે.
પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ કેટલી જગ્યા ખાલી રહી હતી?
પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલ ૧૪,૩૪૫ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા ૮૯,૪૪૫ અરજદારોને શાળાઓની પુનઃપસંદગીની તક તા. ૧૫ મે, ૨૦૨૫ થી તા. ૧૭ મે, ૨૦૨૫ દરમિયાન આપવામાં આવી હતી. આ સમયગાળામાં કુલ ૪૫,૬૯૫ અરજદારોએ શાળાઓની પુનઃપસંદગી કરી હતી, જ્યારે બાકીના ૪૩,૭૫૦ અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી. આમ RTE હેઠળ મોટી સંખ્યામાં લોકોને તેનો લાભ મળી રહ્યો છે. જે લોકો મોંઘી ફીના કારણે બાળકોને સારી શાળામાં ભણાવી નથી શકતા તેમના માટે આ યોજના લાભકારી છે.




















