AAPના નેતા ઈસુદાન ગઢવીને ફરી જેલભેગા કરી દેવાશે ? જાણો ક્યા કેસમાં કરાશે ધરપકડ
ઇસુદાન ગઢવીનું બ્લડ સેમ્પલ લઇને એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું. આ તપાસમાં ઇશુદાન ગઢવીએ દારૂ પીધો હોવાનું ફલિત થતા ઇન્ફોસીટી પોલીસ મથકે ઇશુદાન ગઢવી સામે ગુનો નોંધાયો છે.
અમદાવાદઃ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીને ફરી જેલમાં ધકેલી દેવાય એવી શક્યતા છે. ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ અને 500થી વધુ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને કમલમમાં પ્રવેશ કર્યો હતો.
ભાજપના મહિલા નેતા ડૉ. શ્રધ્ધા રાજપુતે ઇશુદાન ગઢવી પર દારૂ પીને મહિલા કાર્યકરોની છેડતીનો આરોપ મૂક્યો હતો. ઇસુદાન ગઢવીનું બ્લડ સેમ્પલ લઇને એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું. આ તપાસમાં ઇશુદાન ગઢવીએ દારૂ પીધો હોવાનું ફલિત થતા ઇન્ફોસીટી પોલીસ મથકે ઇશુદાન ગઢવી સામે ગુનો નોંધાયો છે. પોલીસે આ કેસમાં ઈસુદાનની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે તેના કારણે ઈસુદાન ફરી જેલભેગા થાય એવી શક્યતા છે.
પેપર લીક મામલે આમ આદમી પાર્ટી દ્વારા ગત 20 ડિસેમ્બરના રોજ બપોરના સમયે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, પ્રવિણ રામ, નિખિલ સવાણી સહિત 500 જેટલા કાર્યકરોએ કમલમમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ સમયે પોલીસે હળવો લાઠી ચાર્જ કર્યો હતો. આ સાથે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું. જેમાં ભાજપના મહિલા નેતા ડૉ. શ્રધ્ધા રાજપૂતે ગંભીર આરોપ મુક્યો હતો કે, આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ મહિલા કાર્યકરોની છેડતી કરી હતી. સાથેસાથે ઇસુદાન ગઢવી દારૂના નશામાં હતો. આ આક્ષેપના પગલે ઈસુદાનની તાત્કાલિક અટકાયત કરીને મેડીકલ રિપોર્ટ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે 500 કાર્યકરો તેમજ આપના નેતાઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરીને ધરપકડ પણ કરી હતી. બાદમાં 11 દિવસ બાદ છેવટે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા સહિતના કાર્યકરોનો જામીન પર છુટકારો થયો હતો.
બીજ તરફ આજે ગાંધીનગર પોલીસને એફએસએલ દ્વારા ઇસુદાન ગઢવીના બ્લડના સેમ્પલનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. આ રીપોર્ટમાં ઇસુદાન ગઢવી તે સમયે દારૂનો નશો કર્યાનો ખુલાસો થતા ઇન્ફોસીટી પોલીસ મથકે ઇસુદાન ગઢવી સામે પ્રોહીબીશન ેએક્ટ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે.