Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
થરાદના કાર્યક્રમમાં ઠાકોર સમાજને ગેનીબેનનું આહ્વાન. અંધશ્રદ્ધા, કુરિવાજો અને જૂની પ્રથા બંધ કરવા ગેનીબેનનું આહ્વાન. દશામાનું વ્રત બંધ કરવા ગેનીબેનનું દીકરીઓનું આહ્નાન. બીજાઓને દશામા ન નડે અને આપણને દશામાં નડે? દશામાના વ્રત કરીને ઘરે દશા બેસાડવાની પ્રથા છે. હવે કોઈપણ દીકરી દશામાનું વ્રત ન કરે.
બનાસકાંઠાના થરાદ ખાતે યોજાયેલા ઠાકોર સમાજના સ્નેહમિલન સમારોહમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજ સુધારણાની દિશામાં કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, કુરિવાજો અને ખાસ કરીને ‘દશામાંના વ્રત’ જેવી માન્યતાઓનો ખુલ્લો વિરોધ કર્યો હતો. ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભુવા-ભોપાના રવાડે ચઢવાને બદલે તબીબી સારવાર અને પુરુષાર્થ પર ભરોસો રાખવો જોઈએ. તેમણે પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે, "જો દશામાં નડતા હોય તો મારી પાસે મોકલી દેજો, હું તેમને મારી ગાડીમાં ફેરવીશ."
સામાજિક કુરિવાજો અને જૂની પ્રથાઓ ત્યાગવા હાકલ
થરાદ ખાતે થરાદ-રાહ અને લાખણી તાલુકાના ઠાકોર સમાજ દ્વારા બંધારણ અને સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા બનાસકાંઠાના લોકલાડીલા સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોરે સમાજને નવી દિશા ચીંધતા ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા હતા. તેમણે સમાજના લોકોને અપીલ કરી હતી કે હવે સમય બદલાયો છે, ત્યારે જૂની રૂઢિચુસ્ત પ્રથાઓ અને કુરિવાજોને તિલાંજલિ આપવી અત્યંત આવશ્યક છે. સમાજની પ્રગતિ માટે અંધશ્રદ્ધા મુક્ત બનવું એ પહેલી શરત છે.
‘દશામાં નડે તો મારી પાસે મોકલી દેજો, હું ગાડીમાં સાથે ફેરવીશ’
ગેનીબેન ઠાકોરે પોતાના સંબોધનમાં ખાસ કરીને મહિલાઓને ટકોર કરતા કહ્યું હતું કે, દીકરીઓ અને બહેનોએ દશામાંના વ્રત કરવાની કોઈ જરૂર નથી. તેમણે તાર્કિક દલીલ કરતા કહ્યું કે, "બીજા સમાજને ક્યારેય દશામાં નડતા નથી, તો માત્ર આપણને જ કેમ નડે છે?" તેમણે કટાક્ષમાં ઉમેર્યું હતું કે આવા વ્રતો કરીને આપણે સામે ચાલીને ઘરમાં 'દશા' બેસાડીએ છીએ. પોતાના નિડર સ્વભાવનો પરિચય આપતા તેમણે કહ્યું કે, "જો કોઈને દશામાં નડતા હોય તો તેમને મારી પાસે મોકલી દેજો, હું એકલી જ ગાડીમાં ફરું છું, તો દશામાં પણ મારી સાથે ગાડીમાં ફરશે. ભલે મને નડે, પણ તમને કોઈને નડવા ન જોઈએ."
ભુવા-ભોપાના રવાડે ચઢીને પરિવારને બરબાદ ન કરવા સલાહ
અંધશ્રદ્ધાના મૂળમાં રહેલા ભુવા અને ભોપાઓ સામે પણ ગેનીબેને લાલ આંખ કરી હતી. તેમણે સમાજના લોકોને ચેતવ્યા હતા કે કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક તકલીફ હોય તો ભુવા પાસે જવાને બદલે નિષ્ણાત ડોક્ટર પાસે જવું જોઈએ અથવા સગા-સંબંધીઓની સલાહ લેવી જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભુવાઓ માત્ર તમને વહેમમાં નાખીને તમારું આર્થિક શોષણ કરશે અને સામાજિક રીતે પણ કુટુંબને બરબાદ કરી નાખશે. જેવું કર્મ કરશો તેવું જ ફળ મળશે, તેમાં કોઈ ભુવો ફેરફાર કરી શકતો નથી.
‘જો ભુવા દુઃખ મટાડતા હોત તો અમે ચૂંટણી જીતવા મહેનત ન કરત’
ગેનીબેને એક વ્યવહારુ ઉદાહરણ આપીને લોકોની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, "જો ભુવા અને ભોપા ધારે તે કામ કરી શકતા હોત અને દુઃખ મટાડી શકતા હોત, તો હું અને ધારાસભ્ય કેશાજી અમારું તમામ કામ છોડીને માત્ર ભુવાની બાધા રાખીને બેસી જાત. અમારે ચૂંટણી જીતવા માટે ફોર્મ ભરવાની કે પ્રચાર કરવાની શું જરૂર? સીધા ભુવાને કહી દેત તો જીતી જવાત." તેમણે ઉમેર્યું કે અમે સવારે ૫ વાગ્યાથી રાત સુધી માથામાં ધૂળ ભરાય ત્યાં સુધી મહેનત કરીએ છીએ, કારણ કે કમાવવા કે સફળ થવા માટે પુરુષાર્થ સિવાય કોઈ વિકલ્પ નથી. ભુવાગીરી એ માત્ર કમાવવાનું સાધન છે, તેથી તેનાથી દૂર રહેવું.
















