રાજ્યના આ મોટા શહેરમાં રેમડેસિવિર બાદ આ દવાની પણ અછત, ખરીદવા લાગી લાઈન
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદમાં સતત ચોથા દિવસે પાંચ હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ દરમિયાન અમદાવાદમાં રેમડેસિવિર બાદ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી ફેબીફ્લૂ નામની દવાની પણ અછત સર્જાઈ છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાએ તાંડવ (Gujarat Corona Cases) કરવાનું શરૂ કર્યુ છે. રોજ કોરોનાના કેસ નવી ઉંચાઈએ પહોંચી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હાલત ખરાબ છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદમાં સતત ચોથા દિવસે પાંચ હજારથી વધુ કેસ (Ahmedabad Coronavirus Cases) નોંધાયા હતા. આ દરમિયાન અમદાવાદમાં રેમડેસિવિર (Remdisivir) બાદ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી ફેબીફ્લૂ (Fabiflu) નામની દવાની પણ અછત સર્જાઈ છે.
ફેબીફ્લુ મેળવવા માટે મેડિકલ સ્ટોર્સના માલિક અથવા કર્મચારીઓ ડિસ્ટ્રીબ્યુટર્સને ત્યાં લાઈન લગાવી રહ્યા છે. ઉપરાંત જરૂરિયાત સામે ખૂબ જ ઓછો દવાનો જથ્થો મળતો હોવાની ફરિયાદ પણ કરી રહ્યા છે. શાહીબાગ વિસ્તારમાં આવેલી કે. ચીમનલાલ એન્ડ કંપની નામની દુકાને ફેબીફ્લુ દવા મેળવવા લાઈન લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો જ સ્પષ્ટ કરે છે કે માર્કેટમાં હવે ફેબીફ્લુની પણ અછત સર્જાઈ છે.
સતત ચોથા દિવસે 5 હજારથી વધુ કેસ
તારીખ |
કેસ |
મોત |
25 એપ્રિલ |
5790 |
27 |
24 એપ્રિલ |
5617 |
25 |
23 એપ્રિલ |
5411 |
21 |
22 એપ્રિલ |
5142 |
23 |
કુલ |
21960 |
96 |
રવિવારે અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 5 હજાર 790 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીઓના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં કુલ કેસનો આંક 1 લાખ 33 હજાર 106 કેસ પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2 હજાર 721 થયો છે. અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસનો આંક પણ 43 હજાર 899 પર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં એપ્રિલના 25 દિવસમાં જ કોરોનાના 60 હજારથી વધુ એટલે 64 હજાર 702 કેસ નોંધાયા અને 421 દર્દીના મૃત્યુ થયા છે. અમદાવાદમાં રવિવારે વધુ 1 હજાર 590 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં શહેરમાં કુલ 80 હજાર 138 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે. રાજ્યમાં આજે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.