અમદાવાદઃ AMC નો વધુ એક વિવાદાસ્પદ નિર્ણય, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા સ્પોર્ટ્સ સંકુલ અદાણીને સોંપવામાં આવશે
પશ્ચિમ બાજુના ભાગે સરદાર બ્રિજ તથા આંબેડકર બ્રીજની વચ્ચે NIDના પાછળના ભાગે અને પૂર્વકાંઠે દધીચી બ્રિજ અને ગાંધી બ્રિજ વચ્ચે રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે.
અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ એક વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા સ્પોર્ટ્સ સંકુલ અદાણીને સોંપવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે બનેલ સ્પોર્ટ્સ સંકુલ 16 કરોડની કિંમતે બન્યું છે જ્યારે પૂર્વ કિનારે બનેલું સંકુલ 9 કરોડની કિંમતે બનેલું હતું.
છેલ્લા દોઢ વર્ષથી તૈયાર પડેલા સંકુલના ખાનગીકરણ અંગે વિવાદ ચાલતો હતો જે હવે અંતે અદાણી સ્પોર્ટ્સને સોંપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ 1.5 કરોડના વાર્ષિક ખર્ચે અદાણીની સ્પોર્ટ્સ એજન્સી હવે આ સ્પોર્ટ્સ સંકુલનું સંચાલન કરશે. વર્ષ 2036 માં સંભવતઃ યોજનાર ઓલોમ્પિકને ધ્યાનમાં રાખીને તૈયાર સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરાયું હતું.
પશ્ચિમ બાજુના ભાગે સરદાર બ્રિજ તથા આંબેડકર બ્રીજની વચ્ચે NIDના પાછળના ભાગે અને પૂર્વકાંઠે દધીચી બ્રિજ અને ગાંધી બ્રિજ વચ્ચે રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે.
વોલીબોલ,બાસ્કેટબોલ,ટેનિસ,સ્કેટિંગ સહિતની સુવિધાઓ સંકુલમાં તૈયાર કરવામાં આવી છે. ઇન્ડોર ગેમ્સ માટે ટેબલ ટેનિસ,એર હોકી સાથે આઉટડોર જિમ પણ ઉભું કરવામાં આવ્યું છે.
પશ્ચિમ કાંઠાના સ્પોર્ટ્સ સંકલની વાત કરીએ તો આ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ સંકુલ 37040 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 4 ક્રીકેટની પીચ, 5 ટેનીસ કો્ર્ટ, 4 ટેબલ ટેનિસ કોર્ટ, 4 મલ્ટીપલ સ્પોર્ટસ કોટ, સ્કેટીંગ રીંગ અને સ્કેટ બોર્ડ, 800 મીટર જોગીગ ટ્રેક, યુટીલીટી બીલ્ડીંગ અને ટોયલેટ બ્લોક છે.
પૂર્વ કાંઠાનું રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ સંકુલ 7503 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. જેમાં 5 ક્રીકેટ પીચ, 2 બાસ્કેટ બોલ-વોલીબોલ કોર્ટ, 320 મીટર જોગીંગ ટ્રેક અને ચિલ્ડ્રન એરિયા છે.
નોંધનીય છે કે, હાલમાં જ સાબરમતી નદી પર અમદાવાદના નાગરિકો માટે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદીઓને આ ભેટ આપી હતી. શહેરની વચ્ચોવચથી પસાર થઇ રહેલી સાબરમતી નદીમાં એક ખાસ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટને તરતી મુકવામાં આવી છે, આનું ઉદઘાટન અમિત શાહે વર્ચ્યૂઅલી કર્યુ હતુ.
નાગરિકો સવારનું ભોજન અને સાંજનું ભોજન આ રેસ્ટોરન્ટમાં કરી શકશે. બપોરના 12થી 1.20 અને 1.30થી 3 સુધી રેસ્ટોરન્ટમાં બોજન મળશે. રાત્રીના સમયે 7થી 8.30 અને 9થી 10.30માં ભોજન મળશે. ભોજનના દર 1800 થી 2200 વચ્ચે રાખવા સંચાલકનો પ્રાથમિક નિર્ણય કર્યો છે. આગામી સમયમાં Amcના શાસકો સાથે ચર્ચા કરીને ભાવ નક્કી કરાશે. ઓનલાઈન બુકીંગ માટે આગામી સમયમાં વેબસાઈટ પણ જાહેર કરવામાં આવશે.