Ahmedabad: શહેરની નાની-મોટી 3 હજારથી વધુ હોટલો હાઉસફૂલ, જાણો કારણ
હોટલના ભાડામાં પણ 30થી 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન મુજબ, સામાન્ય દિવસો કરતા, હોટલ બુકિંગમાં 30 ટકા વધારો થયો છે.
અમદાવાદ: અમદાવાદ શહેરની નાની-મોટી 3 હજારથી વધુ હોટલો હાઉસફૂલ થઈ છે. ચૂંટણીને લઈને રાજકીય પક્ષોના નેતાઓના ધામા, લગ્નસરાની સિઝન અને અમદાવાદમાં યોજાનાર સ્મામિનારાયણ શતાબ્દી મહોત્સવના કારણે મોટા ભાગી હોટલ્સ હાઉસફુલ છે. હોટલના ભાડામાં પણ 30થી 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન મુજબ, સામાન્ય દિવસો કરતા, હોટલ બુકિંગમાં 30 ટકા વધારો થયો છે. શહેરની 3 હજાર 500 હોટલો પૈકી મોટાભાગની એરપોર્ટ નજીકની હોટલ અને રેસ્ટોરન્ટના બુકિંગ કરવામાં આવ્યા છે.
વાઘોડિયા વિધાનસભામાં ભાજપમાં મોટું ભંગાણ
વડોદરાની સૌથી ચર્ચાસ્પદ ગણાતી વાઘોડિયા વિધાનસભામાં આજે ભાજપમાં ભંગાણ સર્જાયું છે. નવાઈની વાત તો એ છે કે ભાજપના 300 કાર્યકરોએ રાજીનામું આપી અપક્ષના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને સમર્થન આપ્યું છે.
ભાજપમાં ભંગાણ સર્જી 300 જેટલા હોદ્દેદારો અને કાર્યકરો ધર્મેન્દ્રસિંહના સમર્થનમાં આવ્યા
ચૂંટણી આવે કે ન આવે પરંતુ વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક કાયમ ચર્ચામાં રહેતી હોય છે. જેમાં આ વખતે ભાજપે 6 ટર્મથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપીને અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જેને લઈને અહીં ત્રીપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ગત ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ સામે 10 હજાર મતથી હારેલા ભાજપના પૂર્વ નેતા અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાલ પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે અને તેઓએ આજે ભાજપમાં ભંગાણ સર્જી વાઘોડિયા વિધાનસભાના 300 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોને પોતાના સમર્થનમાં કર્યા છે. કારણકે આ બેઠક પર ક્ષત્રિય મતદાર વધુ હોવા છતાં ક્ષત્રિયને ટિકિટ ભાજપે આપી નથી. એટલે હવે અહીં ભાજપના અશ્વિન પટેલ, કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડને છોડીએ તો અપક્ષના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અપક્ષથી જ ચૂંટણી લડતા મધુ શ્રીવાસ્તવ એમ બે બાહુબલીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.
સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સુધા નાહટા ભાજપમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં સત્તાવાર જોડાયા છે. તેમણે મજુરા વિધાનસભામાં આપના કન્વીનર બની પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. ભાજપમાં આંતરિક જૂથબંધી અને વ્યક્તિ પૂજાથી વ્યથિત થઈને રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.