News: અમદાવાદની શાળાઓમાં 348 શિક્ષકો છે લાયકાત વિનાના, સરકારે લેખિતમાં આપ્યો ગૃહમાં જવાબ
હાલમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સવાલ જવાબો ચાલી રહ્યાં છે. વિપક્ષના સવાલોના સરકાર લેખિતમાં જવાબ આપી રહી છે

Ahmedabad News: ગુજરાત વિધાનસભાનું અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યુ છે, આ સત્રમાં વિપક્ષ સરકાર સામે પ્રશ્નોત્તરી કરી રહ્યું છે, સરકાર અનેક પ્રશ્નોના સવાલો લેખિતમાં આપી રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના લાયકાત વિનાના શિક્ષકોના એક સવાલના જવાબમાં ગુજરાત સરકારે ગૃહમાં મોટી માહિતી આપી હતી. સરકારે ખુલાસો કરતાં જવાબ આપ્યો હતો કે, અમદાવાદ જિલ્લામાં લાયકાત વિનાના 348 શિક્ષકો શાળામાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં છે.
હાલમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સવાલ જવાબો ચાલી રહ્યાં છે. વિપક્ષના સવાલોના સરકાર લેખિતમાં જવાબ આપી રહી છે. આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકાર પાસે એક સવાલ કરીને માહિતી માંગી હતી કે, અમદાવાદ જિલ્લામાં કેટલા લાયકાત વિનાના શિક્ષકો શાળામાં ભણાવી રહ્યાં છે. આ સવાલનો જવાબ સરકારે ગૃહમાં લેખિતમાં આપીને મોટો ખુલાસો કર્યો હતો.
અમદાવાદ જિલ્લામાં લાયકાત વગરના શિક્ષકો અભ્યાસ કરાવતા હોવાનો સરકારે ખુદ લેખિતામાં ખુલાસો કર્યો હતો. આજે વિધાનસભા ગૃહમાં સરકારના લેખિત જવાબમાં ખુલાસો થયો કે, અમદાવાદ જિલ્લામાં 348 શિક્ષકો લાયકાત વગર ફરજ બજાવી રહ્યાં છે, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સવાલમાં આ ખુલાસો થયો હતો. અમદાવાદ શહેરની 47 શાળામાં 219 શિક્ષકો લાયકાત વગરના છે. દસક્રોઈ તાલુકાની 7 શાળામાં લાયકાત વગરના 15 શિક્ષકો ફરજ બજાવી રહ્યાં છે, આણંદ તાલુકાની 3 શાળામાં 3 અને ધોળકા તાલુકાની 6 શાળામાં 10 લાયકાત વગરના શિક્ષકો છે. ધંધૂકા તાલુકાની 17 શાળામાં 37 અને બાવળા તાલુકાની 6 શાળામાં 25 શિક્ષકો લાયકાત વગરના છે. વિરમગામ તાલુકાની 17 શાળામાં 36 અને માંડલ તાલુકાની 2 શાળામાં 3 શિક્ષકો લાયકાત વગરના છે. સરકારે વધુમાં આ સવાલના જવાબમાં માહિતી આપી હતી કે, વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ના પડે માટે ચાલુ શૈક્ષણિક સત્ર બાદ લાયકાત વગરના શિક્ષકોને હટાવવાની સરકારની ખાતરી છે.
કેવી રીતે ભણશે ગુજરાત? રાજ્યની ૧૬૦૬ પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક છે; ખુદ શિક્ષણ મંત્રીએ આપી જાણકારી
રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે કે, ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પુરૂ પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક જ શિક્ષક વાળી ૧૬૦૬ પ્રાથમિક શાળાઓ છે,જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે. આજે વિધાનસભા ખાતે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રી શ્રી ડિંડોરે ઉમેર્યું કે, પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓનું શિક્ષણ બગડે નહીં એ માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથોસાથ શાળાઓમાં વધઘટ કેમ્પનું આયોજન કરાય છે. જેમાં જિલ્લા ફેર અને જિલ્લાઓની આંતરિક બદલી કેમ્પનું આયોજન કરીને શિક્ષકોને વતનનો લાભ આપવાનો પ્રયાસ કર્યો છે. જેના પરિણામે આ ઘટ જોવા મળી રહી છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી RTE એક્ટ હેઠળ કરવામાં આવે છે. જેમાં ૩૦ વિદ્યાર્થી દીઠ ૦૧ શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી શાળાઓ પણ વધુ છે. જેના પરિણામે એકજ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સંખ્યા આધારિત શિક્ષકોની ભરતી સત્વરે કરવામાં આવશે તેમ, તેમણે ઉમેર્યું હતું.





















