(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: શહેરમાં પાણીજન્ય રોગચાળો યથાવત, 35 સ્થળોએ પાણીના નમૂના અનફિટ
ચાલુ મહિને શહેરમાંથી 1300 સ્થળોએથી પાણીના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાં 35 સ્થળોએ પાણીના નમૂના અનફિટ જાહેર થયા છે.
Ahmedabad News: દિવાળી બાદ હાલ શહેરમાં ધીમે ધીમે ઠંડીનો માહોલ જામી રહ્યો છે. અમદાવાદમાં ચોમાસા બાદ પાણીજન્ય રોગચાળો યથાવત છે. મચ્છરજન્ય રોગચાળા ઉપર કાબુ થયો પણ પાણીજન્ય રોગચાળો હાલ પણ યથાવત છે. ચાલુ મહિને ઝાડા ઉલ્ટીના 269 કેસ,કમળાના 71 કેસ નોંધાયા છે, જ્યારે ટાઈફોઈડના 176 કેસ ચાલુ મહિને નોંધાયા છે.
આ વિસ્તારમાં વકર્યો રોગચાળો
ચાલુ મહિને શહેરમાંથી 1300 સ્થળોએથી પાણીના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાં 35 સ્થળોએ પાણીના નમૂના અનફિટ જાહેર થયા છે. ગોમતીપુર, રખિયાલ, સરસપુર, હાટકેશ્વર વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.
આ ઉપરાંત શહેરમાં વાયરલ કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અર્બન હેલ્થ સેન્ટરો તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કેસો જોવા મળી રહ્યા છે. મિશ્ર ઋતુને કારણે હોસ્પિટલમાં વાયરલ ઈન્ફેક્શનનાં કેસ પણ વધ્યા છે. AMC અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી સંખ્યા વધી છે.
રોગચાળાથી બચવા પાણી ઉકાળીને પીવો
હાલમાં વહેલી સવારે ઠંડી અને બપોરે તડકો એટલે કે બંને ઋતુના અનુભવના કારણે વાયરલ કેસ વધ્યા છે. શરદી-ઉધરસના દર્દી વધ્યા છે. આ પ્રકારના દર્દીઓએ ઘરે જ રહેવું જોઈએ અને ગરમ રાંધેલો ખોરાક ખાવો જોઈએ. તેમજ ગરમ પાણી પીવું જોઈએ.
મેલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરને આ રીતે અટકાવી શકો છો
- દરરોજ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરો. કોઈ પણ પ્રકારના વાસણમાં પાણીને વધુ સમય સુધી રાખો નહિ. જેમાં ડેન્ગ્યુ-મેલેરિયા મચ્છરોનું સંવર્ધન શરૂ થાય છે.
- તમારા બગીચા અથવા ટેરેસમાં તમામ કન્ટેનર તેમજ પોટ્સ ઢાંકી દો, તમે તેને ઉંધુ પણ રાખી શકો છો. આ સિવાય પાણીના વાસણો પણ સાફ રાખવા જોઈએ
- ઘરની બહાર નીકળતી વખતે ફુલ સ્લીવના કપડાં પહેરો જેથી મચ્છરોનો સંપર્ક ઓછો થાય.
- મચ્છરોથી બચવા માટે સ્પ્રે, ક્રિમ અને જાળીનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે બહાર સૂતા હોય તો મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.
- સાંજના સમયે દરવાજા અને બારીઓ બંધ રાખવા જોઈએ.
- બિનજરૂરી રીતે ફરવાનું ટાળો. આમ કરવાથી તમે ડેન્ગ્યુનું જોખમ ઘટાડી શકો છો.