(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: અમદાવાદમાં એસ્પાયર બિલ્ડિંગ દુર્ઘટનામાં ત્રણ કોન્ટ્રાક્ટરની ધરપકડ, સાત મજૂરોના થયા હતા મોત
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મળતી જાણકારી અનુસાર, એસ્પાયર-2 નામની નિર્માણાધિન બિલ્ડિંગના 13 માળેથી પટકાવાથી સાત મજૂરોના મોત થયા હતા. આ કેસમાં પોલીસે ત્રણ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. પોલીસે કોન્ટ્રાક્ટર સૌરભ કમલેશ કુમાર શાહ, પેટા કોન્ટ્રાકટર દિનેશકુમાર મણિલાલ પ્રજાપતિ તથા નેમિશ કિરીટભાઈ પટેલની ધરપકડ કરી છે. આ દુર્ઘટનામાં સદોષ માનવવધ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
ACP એલઆર ઝાલાએ જણાવ્યું હતું કે FSLના પ્રાથમિક રિપોર્ટમાં સુરક્ષા અંગેની વ્યવસ્થા ન હોવાનું જણાવ્યુ હતું. મુખ્ય કોન્ટ્રાકટર અને પેટા કોન્ટ્રાકટર સામે ફરિયાદ દાખલ કરાઈ છે. જે અધિકારી અને એજન્સી કે જેની જવાબદારી હોય છે. તેની પણ તપાસ કરવામાં આવશે. સાથે જ એડોર ગ્રુપના બિલ્ડરની પણ તપાસ કરવામાં આવશે. બાંધકામની પ્રક્રિયા અને તેની સુપરવિઝનની પ્રક્રિયામાં ચકાસણીમાં બેદરકારી હશે તો તેની સામે કાર્યવાહી થશે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે બુધવારે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ સેન્ટિંગનું પતરુ પડતા 13મા માળેથી 6 શ્રમિકો પટકાયા. તો પાંચમાં માળે કામ કરતા અન્ય 2 શ્રમિકો પણ તેમની સાથે પટકાયા હતા. કુલ આઠ શ્રમિકો બેઝમેન્ટમાં પકડાયા હતા. જેમાંથી 7નું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેની સારવાર ચાલી રહી છે.
Gandhinagar: પંચાયતના આરોગ્ય કર્મચારીઓનું આક્રમક વલણ, ગાંધીનગરમાં વિધાનસભાનો કરશે ઘેરાવ
ગાંધીનગરઃ પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પડતર પ્રશ્નોને લઈને હજારોની સંખ્યામાં પંચાયતના આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં ઉમટી પડ્યા હતા. આરોગ્ય કર્મચારીઓએ વિધાનસભા ઘેરાવની ચીમકી આપી છે. આરોગ્ય કર્મચારીઓની ચીમકીને પગલે સચિવાલય અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ આંદોલનને આક્રમક બનાવાની રણનીતિ તૈયાર કરી છે. હવે કાલે આ કર્મચારીઓ ગાંધીનગરમાં ફરી રેલી યોજશે. તો શનિવારે ગાંધીનગરમાં રસ્તા રોકો આંદોલન કરશે. જે બાદ સોમવારે પરિવાર સાથે ધરણા પ્રદર્શન કરશે. તેમ છતાં જો સરકાર પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો 20 સપ્ટેમ્બરથી ભૂખ હડતાલ પર ઉતરશે. પંચાયતના આરોગ્ય કર્મચારીના આક્રમક તેવરને લઈને સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે.
રાજ્ય સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પાંચ મંત્રીઓને કમિટી બનાવી છે. જેમાં હર્ષ સંઘવી, જીતુ વાઘાણી સહીત પાંચ મંત્રીઓનો સમાવેશ થયો છે. પરંતુ આ કમિટી 15 દિવસ જેટલો સમય વિત્યો છતાં હજુ એકપણ આંદોલનને ડામવામાં સફળ રહી નથી. ભાજપની જ ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ છેલ્લા 3 અઠવાડિયાથી ખેડૂતોના પ્રશ્નને લઈને સરકાર સામે આંદોલન ચલાવી રહી છે. મંત્રીઓના નિવાસસ્થાનના ઘેરાવ પણ કર્યા છે પરંતુ સરકાર હજુ સુધી તેમની માંગ સ્વીકારવા તૈયાર થઈ નથી.
ત્યારે આજે કિસાન સંઘે પરવાનગી ન હોવા છતાં મુખ્યમંત્રી આવાસ સુધી રેલીનું આયોજન કર્યુ છે. આ રેલીમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર સાથે ખેડૂતો ઉમટ્યા છે તો કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.