(Source: ECI/ABP News/ABP Majha)
મેગા રોડશોમાં મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું, - ભાજપ-કૉંગ્રેસને હરાવવા નહી, ગુજરાતને જીતાડવા આવ્યો છું
અમદાવાદમાં આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો રોડ શો યોજાયો.
અમદાવાદ: અમદાવાદમાં આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો રોડ શો યોજાયો. નિકોલથી અરવિંદ કેજરીવાલનો રોડ શો શરૂ થયો. આ અંગે આમ આદમી પાર્ટીએ લખ્યું, “ગુજરાતમાં બદલાવનો શંખનાદ”. આ સાથે જ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલના રોડ શોમાં સમગ્ર ગુજરાતમાંથી આપ કાર્યકરો ઉમટી પડ્યાં છે. આજે અમદાવાદના નિકોલ વિસ્તારમાં મુખ્યમંત્રીએ રોડ શો યોજ્યો છે. આ રોડશોમાં મોટાપાયે લોકો ઉમટી પડ્યા છે. આપના નેતા ઈસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ કેજરીવાલ અને ભગવંત માનની સાથે છે.
આમ આદમી પાર્ટીના બંને નેતાની તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે. નિકોલથી ઠક્કરબાપાનગર બ્રિજ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. રોડ શોને પગલે રૂટ પર તેમજ બંને નેતાનાં વાહન સાથે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકો રોડ શો જોવા અગાશી પર ચડી ગયા છે.
રોડશો શરૂ કરતા અરવિંદ કેજરીવાલે ઇન્ક્લાબ ઝિંદાબાદ અને ભારતમાતા કી જય ના નારા લગાવડાવ્યાં અને આ સાથે જ રોડશોમાં હાજર લોકોને પૂછ્યું ‘કેમ છો? ..મજામાં ? મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, નાની છોકરીની હાથમાં તિરંગો જોઈને દિલ ખુશ થઈ ગયું. અરવિંદ કેજરીવાલે રોડ શો દરમિયાન સંબોધન કરતા કહ્યું કે મારે ભ્રષ્ટાચાર પૂરો કરવો છે. દિલ્હીમાં ભ્રષ્ટાચાર ખતમ કર્યો. દિલ્હીમાં પૈસા વગર કામ થાય છે. પંજાબમાં 10 દિવસમાં ભ્રષ્ટાચાર પૂરો કર્યો. મારે રાજનીતિ નથી કરવી. ગુજરાતમાં પૈસા માગે છે? પૂછતા જ લોકોએ હામાં જવાબ આપ્યો. કેજરીવાલે કહ્યું, 25 વર્ષથી ભાજપ છે છતાં ભ્રષ્ટાચાર દૂર નથી થયો. હું કોઈ પાર્ટીની બુરાઈ નથી કરતો. હું ભાજપ કે કોંગ્રેસને હરાવવા નહીં ગુજરાત અને ગુજરાતીઓને જીતાડવા આવ્યો છું.
આમ આદમી પાર્ટીના રોડશોમાં એક બાજું ગુજરાતના ગરબાની તો બીજી બાજુ ડાંગ નૃત્ય પણ જોવા મળ્યું. રોડશોમાં કેજરીવાલ અને ભગવંત માનનું ડાંગ નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. અરવિંદ કેજરીવાલના રોડશોમાં ગુજરાતનું લોકનૃત્ય ગરબા પણ રજૂ કરવામાં આવ્યા છે. આનો એક વિડીયો આમ આદમી પાર્ટીએ એક વિડીયો શેર કર્યો છે.