માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! અમદાવાદ સિવિલમાં ડોક્ટરોએ 2 વર્ષના બાળકના ગળામાંથી સોપારીનો ટુકડો કાઢ્યો
કલોલના આર્યનનો જીવ બચાવવા પીડિયાટ્રિક સર્જનોની ટીમે કરી અદભૂત કામગીરી; માતા-પિતા માટે ફરી એકવાર ચેતવણીરૂપ કિસ્સો.

Ahmedabad civil hospital child case: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર બાળકના જીવનો જોખમી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ડોક્ટરોની સમયસૂચકતા અને કુશળતાને કારણે 2 વર્ષના બાળકનો જીવ બચાવી લેવાયો છે. કલોલના રહેવાસી આર્યન (ઉંમર 2 વર્ષ) ની શ્વાસનળીમાંથી સોપારીનો એક ટુકડો સફળતાપૂર્વક બહાર કાઢી સિવિલના તબીબોએ જીવનદાન આપ્યું છે. આ ઘટના નાના બાળકોના માતા-પિતા માટે ફરી એકવાર ચેતવણીરૂપ બની છે કે બાળક સમજણું ન થાય ત્યાં સુધી તેમના પર સતત ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
"સોપારીનો ટુકડો જ નહીં, મોતના મુખમાંથી બહાર કાઢ્યો છે" - ડો. રાકેશ જોષી
સિવિલ હોસ્પિટલ અમદાવાદના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા અને તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ આ કેસની ગંભીરતા સમજાવતા જણાવ્યું કે, "અમે ફક્ત સોપારીનો ટુકડો જ નહીં, પરંતુ બાળકને મોતના મુખમાંથી બહાર કાઢ્યો છે. જો થોડા મોડા હોસ્પિટલ લાવ્યા હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકી હોત."
કલોલના શૈલેષભાઈ દંતાણીનો 2 વર્ષનો પુત્ર આર્યન પેટના ટીબીથી પીડાય છે અને પથારીવશ છે. લગભગ 6 મહિના પહેલા તેની માતાનું અવસાન થયું હતું. આશરે 3 દિવસ પહેલા તેને સતત ઉધરસ આવવાની શરૂઆત થઈ અને ધીમે ધીમે તેની તબિયત વધુ બગડતી ગઈ. આર્યનની બગડતી સ્થિતિથી ચિંતિત તેના કાકા, કાકી અને દાદી તેને સૌ પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. જોકે, ત્યાં કોઈ નોંધપાત્ર સુધારો ન થતાં તેને બાળરોગ નિષ્ણાત પાસે રીફર કરવામાં આવ્યો, જેમણે છાતીનો એક્સ-રે કરાવવાની ભલામણ કરી. એક્સ-રે માં બાળકની શ્વસનમાર્ગમાં કોઈ વસ્તુ ફસાયેલી હોવાનું માલુમ પડ્યું.
આર્યનની ગંભીર પરિસ્થિતિ અને ખાનગી હોસ્પિટલમાં સારવારનો મોટો ખર્ચ પરવડી શકે તેમ ન હોવાથી, પરિવારજનો તેને 16 જુલાઈ, 2025 ના રોજ સવારે 11:30 વાગ્યે એમ્બ્યુલન્સમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક સર્જરી ICU માં લાવ્યા. ડોક્ટરોએ આર્યનની તપાસ કરતા જાણવા મળ્યું કે રૂમ એર પર તેનું ઓક્સિજન લેવલ 80% હતું અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તબીબોને તેની શ્વાસનળીમાં કોઈ વસ્તુ ફસાયેલી હોવાની દ્રઢ શંકા થઈ.
ફરજ પરના પીડિયાટ્રિક સિનિયર રેસિડેન્ટ દ્વારા તાત્કાલિક ઇન્ટ્યુબેશન કરવામાં આવ્યું અને આર્યનને વેન્ટિલેટરી સપોર્ટ પર રાખવામાં આવ્યો. તાત્કાલિક સવારે 11:50 વાગ્યે તેને બ્રોન્કોસ્કોપી માટે લઈ જવામાં આવ્યો. ડો. રાકેશ જોષી (પીડિયાટ્રિક સર્જરી વિભાગના HOD) દ્વારા ડો. શકુંતલા (પ્રોફેસર, એનેસ્થેસિયા) અને ડો. ભરત મહેશ્વરીના સહયોગથી માત્ર 15 મિનિટમાં જ આર્યનની શ્વાસનળીમાંથી સોપારીનો ટુકડો સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો. આર્યનની સર્જરી અત્યંત ઝડપથી અને ચોકસાઈ સાથે કરવામાં આવી હતી, જેના પરિણામે તેની ઓપરેશન પછીની રિકવરી ખૂબ જ સરળ રહી અને તેની તકલીફમાં તાત્કાલિક અને નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. ત્યારબાદ તેને આગળની દેખરેખ અને સારવાર માટે પીડિયાટ્રિક ICU માં ખસેડવામાં આવ્યો. ઓપરેશનના 24 કલાકની અંદર તેને ઓક્સિજન સપોર્ટ પરથી દૂર કરવામાં આવ્યો અને બીજા દિવસથી મોઢેથી ખોરાક આપવાનું પણ શરૂ કરવામાં આવ્યું.
ડો. જોષીએ વધુમાં જણાવ્યું કે, પીડિયાટ્રિક સર્જન દ્વારા સમયસર નિદાન અને નિષ્ણાત સારવારનો આ કેસ એક ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ જેવી સરકારી હોસ્પિટલમાં નિશુલ્ક મળતી આવી ઉત્તમ સારવાર છેવાડાના ગરીબ દર્દીઓ માટે જીવનદોરી સમાન છે.





















