Ahmedabad Rain: સાંજ પડતા જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો, ખેલૈયાઓ ચિંતિત
અમદાવાદ શહેરમાં આજે બપોર સુધી વાદયછાયું વાતાવરણ રહ્યા બાદ ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં આજે બપોર સુધી વાદયછાયું વાતાવરણ રહ્યા બાદ ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી. સાંજ પડતા જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ થતા ખેલૈયાઓ અને આયોજકો ચિંતિત થયા છે. કાળા ડિબાંગ વાદળોના કારણે વરસાદ વરસે તેવુ લાગી રહ્યું છે.
વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફુંકાઈ રહ્યો છે
અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન ફુંકાઈ રહ્યો છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વસ્ત્રાલ, હાથીજણ, ઓઢવ, રામોલમાં વાદળછાયું વાતાવરણ છે. કાળા ડિબાંગ વાદળો છવાતા આયોજકો પણ ચિંતિત છે. ગઈકાલે પણ અમદાવાદમાં અનેક ગરબા બંધ રખાયા હતા. જો વરસાદ પડે તો આજે પણ ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે.
અમદાવાદમાં રવિવારે બપોર બાદ જોરદાર વરસાદ વરસ્યો હતો
હવામાન વિભાગની આગાહી રવિવારે અમદાવાદમાં સાચી પડી હતી. રવિવારે બપોર બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે નવરાત્રિના પંડાલોને નુકસાન થયુ હતું. શહેરમાં ગરબા પ્રેમીઓ નવરાત્રિના ગરબાને લઈ મુંઝવણમાં મૂકાયા હતા. અનેક જગ્યાએ ગરબાના આયોજનો મોકૂફ રાખવામાં આવ્યા હતા.
આજે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સોમવારે અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને દીવમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદની શક્યા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મંગળવારની વરસાદને લઈ આગાહી
30 સપ્ટેમ્બર મંગળવારે વરસાદનું જોર ઘટી શકે છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મંગળવારે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા આ દિવસે વ્યક્ત કરવામાં આવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.





















