Gujarat Politics: પ્રદેશ અધ્યક્ષ તરીકે પોતાના અંતિમ ભાષણમાં સીઆર પાટીલે કેમ માગી માફી
Gujarat Politics: આજે જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા છે. તેમનો પદગ્રહણ સમારોહ કમલમ ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ પ્રસંગેે સીઆર પાટીલે પ્રદેશ અધ્યક્ષ તરીકે પોતાનું અંતિમ સંબોધન કર્યું હતું.

Gujarat Politics: આજે જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા છે. તેમનો પદગ્રહણ સમારોહ કમલમ ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ પ્રસંગેે સીઆર પાટીલે પ્રદેશ અધ્યક્ષ તરીકે પોતાનું અંતિમ સંબોધન કર્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલે તેમના કાર્યકાળની સફળતાઓ અને પડકારો અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સવા પાંચ વર્ષ પહેલાં તેમને પ્રદેશ ભાજપની જે જવાબદારી સોંપવામાં આવી હતી, તે તમામ કાર્યકરોના સાથ-સહકારથી તેમણે સફળતાપૂર્વક નિભાવી.
પ્રદેશ અધ્યક્ષ તરીકેના પોતાના અંતિમ સંબોધનમાં સી.આર. પાટીલે પક્ષની સિદ્ધિઓ અને સાથે જ કેટલીક ઉણપોનો સ્પષ્ટ સ્વીકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક હતો, પરંતુ પક્ષ 156 બેઠકો પર અટકી ગયો, જેનો તેમને અફસોસ છે. આ ઉપરાંત, લોકસભાની ચૂંટણીમાં પણ એક બેઠક ગુમાવવાનો તેમને અફસોસ રહેશે, અને તેમણે સ્વીકાર્યું કે પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમનામાં ક્યાંક ઉણપ રહી હશે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી કે આવનારી ચૂંટણીમાં ભાજપ તમામ 182 બેઠકો ચોક્કસ જીતશે.
સંગઠનાત્મક પડકારો અને નારાજગી
પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન લેવાયેલા કડક નિર્ણયોની વાત કરતાં કહ્યું કે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા લાવવામાં આવી, જે કેટલાક લોકોને પસંદ ન આવી. તેમણે સ્પષ્ટ કહ્યું કે જે લોકોને કોંગ્રેસ સાથે ગોઠવણ કરીને સત્તામાં ગોઠવાઈ જવું હતું, તેમને આ પ્રથા ન ગમી. આ ઉપરાંત, કોર્પોરેશનમાં પણ કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા ત્યારે પક્ષના જ કેટલાક લોકોને તે ગમ્યું ન હતું. તેમણે યાદ કર્યું કે જ્યારે તેમણે તમામ 8 કોર્પોરેશન જીતવાની વાત કરી હતી, ત્યારે લોકો તેમને ગણકારતા ન હતા.
માફી અને સંકલ્પ
પોતાના કાર્યકાળ દરમિયાન કેટલાક લોકો નારાજ થયા હશે તેનો સ્વીકાર કરતાં પાટીલે કહ્યું કે તેમણે જે પણ નિર્ણય કર્યા તે માત્ર પાર્ટી માટે અને પાર્ટીના હિતમાં કર્યા છે. અંતે, જેમને ખોટું લાગ્યું હોય તેમની માફી માગીને તેમણે કહ્યું કે તેમનો ઇરાદો ક્યારેય કોઈ કાર્યકરને નુકસાન પહોંચાડવાનો નહોતો.
કાર્યકાળની સિદ્ધિઓ:
- તેમના નેતૃત્વમાં ભાજપ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો જીતવામાં સફળ રહ્યું.
- લોકસભાની ચૂંટણીમાં પણ 26માંથી 25 બેઠકો જીતી.
- 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષને 2 કરોડથી વધુની લીડ મળી હતી.
- વિધાનસભાની તમામ પેટાચૂંટણીઓ અને તમામ 31 જિલ્લા પંચાયતો પર ભાજપે વિજય મેળવ્યો.




















