Ahmedabad Rain: અમદાવાદમાં મેઘરાજાની ધબધબાટી, પોશ વિસ્તારમાં આવેલા બંગલાઓમાં પાણી ભરાયા
Rain Alert: વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેથી વાહન ચાલકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
Ahmedabad Rain Alert: આજે અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેના કારણે નાગરિકોને ઠંડક અને રાહતનો અનુભવ થયો છે.
ક્યા વિસ્તારમાં વરસાદ પડ્યો
૧. એસજી હાઈવે અને ગોતા વિસ્તારમાં ધોધમાર વરસાદ
૨. સાયન્સ સિટી અને શીલજમાં પણ ભારે વરસાદ
૩. શેલા, બોપલ, ઘુમા અને શીલજમાં મુશળધાર વરસાદ
૪. પ્રહલાદનગર વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત
૫. ગોતા અને વૈષ્ણોદેવી વિસ્તારમાં ભારે વરસાદ
૬. રાણીપ અને વાડજ વિસ્તારમાં તેજ વરસાદ
આકાશમાં કાળા ડિંબાંગ વાદળોની જમાવટ સાથે શહેરમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક કલાકોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.
વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેથી વાહન ચાલકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાત જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાહેર કરેલી આગાહી મુજબ, આવનારા દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં નોંધપાત્ર વરસાદની શક્યતા છે.
આ આગાહી અનુસાર, આજથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં શરૂ થવાની સંભાવના છે.
ઓગસ્ટના પ્રથમ ત્રણ સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. 2થી 5 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. નર્મદા, સાબરમતી, તાપી સહિતની રાજ્યની નદીઓ અને જળાશયોમાં વરસાદી પાણીની આવક થશે.
વધુમાં, આગાહી અનુસાર 23 ઓગસ્ટ બાદ પર્વત આકારના વાદળો જ્યાં જશે ત્યાં વરસાદ પડી શકે છે. 23 ઓગસ્ટથી 26 ઓક્ટોબર વચ્ચે રોગિષ્ઠ ઋતુ રહેવાની સંભાવના છે, જેથી નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
સપ્ટેમ્બર માસમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
અમદાવાદ હવામાન વિભાગે આજે જાહેર કરેલી આગાહી મુજબ, આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં યેલો અલર્ટ: ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં વરસાદ: આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વરસાદ: • અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
માછીમારો માટે ચેતવણી: માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. મૌસમી પરિસ્થિતિ: ઓફશૉર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદની શક્યતા વધી છે.
આગામી દિવસોની આગાહી: ત્રીજા દિવસે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, "વાતાવરણમાં જોવા મળી રહેલા ફેરફારોને કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને જરૂર પડ્યે વધુ ચેતવણીઓ જાહેર કરીશું."