ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનો ભવ્ય વિમોચન સમારંભ અમદાવાદ ખાતે યોજાયો
સાહિત્ય અકાદમી તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે 'સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ' પુસ્તકનો વિમોચન સમારંભ અમદાવાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય રીતે યોજાયો.

અમદાવાદ, 23 માર્ચ 2025, રવિવાર – ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા સાહિત્ય અકાદમી તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે 'સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ' પુસ્તકનો વિમોચન સમારંભ અમદાવાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. લેખક મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી દ્વારા આ પુસ્તકમાં પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને તેમના વૈશ્વિક પ્રભાવને સરળતાથી રજૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તક સાત પ્રકરણો દ્વારા પ્રમુખસ્વામીજીના નિઃસ્વાર્થ યોગદાનને ઉજાગર કરે છે, જે કરુણા, સેવા અને શ્રદ્ધા જેવાં મૂલ્યોની પ્રેરણા આપે છે. વિશ્વશાંતિ અને 'વસુધૈવ કુટુંબકમ્' ની ભાવનાને પ્રોત્સાહન આપતું આ પુસ્તક પ્રમુખસ્વામીજીના આધ્યાત્મિક જીવનને એક પ્રેરક આદર્શ તરીકે રજૂ કરે છે.
આ વિમોચન સમારોહમાં પ્રાસંગિક ઉદ્બોધન અને સ્વાગત પ્રવચન બાદ 'પ્રમુખસ્વામી મહારાજ: મારી દૃષ્ટિએ, મારો અનુભવ' કાર્યક્રમ અંતર્ગત લેખક સ્વામી ભદ્રેશદાસજીએ તથા અન્ય મહાનુભાવોએ તેમના પૂ. પ્રમુખસ્વામી મહારાજના સાથેના સંસ્મરણો રજૂ કર્યા હતા. ગુજરાતના સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન પદ્મશ્રી ગૌતમભાઈ પટેલ, ગુજરાતના વિખ્યાત કવિ, સાહિત્યકાર, વિવેચક શ્રી માધવ રામાનુજ, પાંચજન્ય સામયિકના પૂર્વ તંત્રી અને પૂર્વ સાંસદ શ્રી તરુણ વિજય, કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, દિલ્લીના કુલપતિ શ્રીનિવાસ વરખેડી, સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન શ્રી હરેકૃષ્ણ સતપથી, લાલબહાદુર શાસ્ત્રી યુનિવર્સિટીના કુલપતિ શ્રી મુરલી મનોહર પાઠક, તિરૂપતિ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી જી. એસ. આર. કૃષ્ણમૂર્તિ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી સુકાંત સેનાપતિ, આઈ. આઈ. ટી ખડગપુરના પૂર્વ નિર્દેશક શ્રી વિરેન્દ્રકુમાર તિવારી જેવા વિદ્વાનોએ આ પુસ્તકને એક અભૂતપૂર્વ પુસ્તક તરીકે વધાવી લેતા વ્યક્તવ્યો આપ્યા હતા અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વૈશ્વિક કાર્યોની અને તેમના પ્રમુખ સ્વામી મહારાજ વિષે સંસ્મરણોના હૃદયસ્પર્શી વ્યક્તવ્યો આપ્યા હતા, સાથે સાથે આ વિશિષ્ટ પુસ્તકના લેખન બદલ લેખક એવા મહોમહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશ દાસ સ્વામીને ખૂબ આભાર માન્યો હતો.
ત્યારબાદ સાહિત્ય અકાદમીના ડો. કે. શ્રીનિવાસ રાવ દ્વારા આ પુસ્તકના પ્રકાશન વિશે માહિતી આપવામાં આવી હતી અને પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યની ઝાંખી કરાવતો વિડિયો પ્રદર્શિત થયો હતો.
આ પ્રસંગે સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી માન. ગજેન્દ્રસિંહ શેખાવત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેમણે આ અવસરે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે દુનિયાભરના અસંખ્ય લોકો પૂ. પ્રમુખસ્વામી મહારાજની નિ:સ્વાર્થ સેવા અને યોગદાનથી લાભાન્વિત થયા છે.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ (૧૯૨૧-૨૦૧૬)
પ્રમુખસ્વામી મહારાજ એટલે ‘બીજાના ભલામાં આપણું જ ભલું છે!' જીવનસૂત્ર સાથે લાખો લોકોને હૂંફ આપનાર એક વિરલ સંતવિભૂતિ. ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ આ વિશ્વવંદનીય સંતે નિર્વ્યાજ વાત્સલ્યવર્ષામાં બાળકો, યુવાનો, વૃદ્ધો, ભણેલા કે અભણ, દેશ કે વિદેશના સૌ કોઈને ધન્ય કર્યા હતા. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિના સૂત્રધાર એવા પ્રમુખ સ્વામી મહારાજે, કઠિન પુરુષાર્થથી એક વિરાટ ચારિત્ર્યવાન સમાજ ખડો કર્યો છે. 17000 થી વધુ ગામોમાં વિચરણ; 2,50,000 થીય વધુ ઘરોની મુલાકાત; 7,00,000 થી વધુ પત્રોનું લેખન; કરોડોની વ્યક્તિગત મુલાકાત વગેરે દ્વારા આ મહાન સંતે અસંખ્યનો જીવન-ઉત્કર્ષ કર્યો છે. અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત, જગતભરમાં ૧,૧૦૦થીય વધુ મંદિરોનું સર્જન કરીને તેમણે સંસ્કૃતિનાં ચિરંતન સ્મારકો સ્થાપ્યાં છે. ભારત અને વિશ્વના અનેક દેશોમાં અનેક કુદરતી આપત્તિઓમાં તારાજ થયેલા લોકો માટે આ કરુણામૂર્તિ સંતની કરુણા વહી છે. એટલે જ, આંતરરાષ્ટ્રીય ધુરંધરોથી લઈને આદિવાસી સુધીના અસંખ્ય લોકોએ તેમને હૃદયપૂર્વક ચાહ્યા છે. સાધુતાના શિખર સમાન આ મહાન સંતની વિરાટ સિદ્ધિઓનું રહસ્ય એટલે પરમાત્માનો સાક્ષાત્કાર. અસંખ્યોએ તેમના સાંનિધ્યમાં પરબ્રહ્મની દિવ્ય અનુભૂતિ કરી છે, ઉચ્ચ અધ્યાત્મ-શિખર પ્રાપ્ત કર્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
