Gujarat Corona Cases: રાજ્યમાં 188 દિવસ બાદ નોંધાયા સૌથી વધુ દૈનિક કેસ, આ શહેર ફરી બનશે હોટ સ્પોટ ?
રાજ્યમાં હાલ ૮૩૭ એક્ટિવ કેસ છે અને ૧૨ દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં ૧૨ જુલાઇ બાદ કોરોનાના આ સૌથી વધુ એક્ટિવ કેસ છે. હાલમાં અમદાવાદમાં સૌથી વધુ ૨૭૧, સુરતમાં ૧૨૭ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે.
Gujarat Corona update: ઓમિક્રોન વચ્ચે કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવામાં થઇ રહેલી બેદરકારીથી કેસમાં વિસ્ફોટ થવાનો જે ડર સેવાઇ રહ્યો હતો તે હવે વાસ્તવિક્તામાં પરિણમી રહ્યો છે. શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૧૭૯ નવા કેસ નોંધાયા છે. ૨૦ જૂન એટલે કે ૧૮૮ દિવસ બાદ રાજ્યમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ દૈનિક કેસ છે. શુક્રવારે રાજ્યમાં કોરોનાના ૯૮ કેસ નોંધાયા હતા. આમ, એક જ દિવસમાં કોરોનાના કેસમાં ૮૨%નો ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં બે વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.
કયા શહેરમાં નોંધાયા કેટલા કેસ
શનિવારે અમદાવાદ શહેરમાંથી ૬૧-ગ્રામ્યમાંથી ૨ સાથે સૌથી વધુ ૬૩, સુરત શહેરમાંથી ૨૦-ગ્રામ્યમાંથી ૯ સાથે ૨૯, આણંદમાંથી ૧૮, વડોદરા શહેરમાંથી ૧૪-ગ્રામ્યમાંથી ૨ સાથે ૧૬, રાજકોટ શહેરમાંથી ૧૩-ગ્રામ્યમાંથી ૨ સાથે ૧૫, નવસારીમાંથી ૫, બનાસકાંઠા-ખેડામાંથી ૪, ગાંધીનગર શહેરમાંથી ૨-ગ્રામ્યમાંથી ૧ સાથે ૩, કચ્છ-વલસાડમાંથી ૩, અમરેલી-ભરૃચ-જામનગર શહેર-જુનાગઢ શહેરમાંથી ૨ જ્યારે ભાવનગર શહેર-દાહોદ-ગીર સોમનાથ-મહેસાણા-સુરેન્દ્રનગરમાંથી કોરોનાના ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ ૮,૨૯,૧૮૨ થઇ ગયા છે.
રાજ્યમાં 12 જુલાઈ બાદ સૌથી વધુ એક્ટિવ કેસ
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી બંને મૃત્યુ રાજકોટ ગ્રામ્યમાં નોંધાયા હતા. અત્યારસુધી કુલ ૧૦,૧૧૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૪ દર્દી કોરોનાથી સાજા થયા હતા. અત્યારસુધી કુલ ૮,૧૮,૨૩૨ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ઘટીને હવે ૯૮.૬૮% થઇ ગયો છે. રાજ્યમાં હાલ ૮૩૭ એક્ટિવ કેસ છે અને ૧૨ દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં ૧૨ જુલાઇ બાદ કોરોનાના આ સૌથી વધુ એક્ટિવ કેસ છે. હાલમાં અમદાવાદમાં સૌથી વધુ ૨૭૧, સુરતમાં ૧૨૭ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે.
કોરોનાના વધતા કેસ છતાં વેક્સિનેશનનું પ્રમાણ ઘટી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૮૧,૯૨૬ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે ૮.૮૧ કરોડ છે.