Gujarat Rain : સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન, માણાવદર-ખાંભામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ગઈ કાલે રાજ્યના 105 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો હતો.
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ગઈ કાલે રાજ્યના 105 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો હતો. ગઈ કાલે જૂનાગઢના માણાવદર અને અમેરલીના ખાંભામાં 3-3 ઇંચ વરસાદ ખબાક્યો હતો. આ સિવાય ગીર ગઢડા, સાવરકુંડલા અને રાણાવાવમાં બે ઇંચ આસપાસ વરસાદ ખાબક્યો હતો.
જ્યારે છોટાઉદેપુરના ક્વાંટ, કુતિયાણા, પોરબંદર, બોડેલી, નખત્રાણા, વાલિયા, મહુવા, કપરાડા, વડિયા, ખંભાત તાલુકામાં એક ઇંચથી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો સંજેલી, ધ્રોલ, કોડીનાર, બાલાસિનોર, ધરમપુર, મેઘરજ, ઉપલેટા, છોટાઉદેપુર, બાયડ, માંગરોળ, વાંસદા, જાંબુઘોડા, વડગામ, મોડાસા, ફેતપુરામાં અડથાથી પોણા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
આ ઉપરાંત તળાજા, વેરાવળ, બગસરા, મુન્દ્રા, પારડી, લિલિયા, ભેસાણ, જેતપુર, માંડવી, ડાંગ, લાલપુર, સૂત્રાપાડા, ડેસર, અમરેલી, પાલિતાણા, અંજાર, ડભોઈ, વિસનગર અને તલોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.
ગઈ કાલ સવારથી જ સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. આ સિવાય મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ સવારથી વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં માત્ર બે કલાકમાં જ બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં બે-બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય સવારે 6થી 8 વાગ્યા સુધીમાં ભાવનગરના મહુવા અને આણંદના ખંભાતમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બગસરા, વડિયા, તલાજા, ગીર ગઢડામાં અડધાથી લઈને એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સિવાય કોડીનાર, થાનગઢ, ડેસર, પાલિતાણા, રાજકોટ, જસદણ, ચોટીલા, આંકલાવ, ગોંડલ, મોરવા હડફ, જેસર, અમરેલી, જલાલપોર અને કલોલ તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.
અમરેલી જિલ્લાની વાત કરીએ તો સાવરકુંડલા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. જેસર રોડ રિદ્ધિ સિદ્ધિ ચોક મહુવા રોડ હાથસણી રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સોસાયટીના રસ્તા ઉપર વહેતા થયા વરસાદી પાણી. ભારે વરસાદના કારણે નાના રાજુલાથી નાના રીગણીયા રોડ પર પાણી ભરાયા છે. ગામ લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. વહેલી સવારથી અમરેલી અને આસપાસના ગામમાં વરસાદ વરસી રહ્યો છે. ખાંભા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભાના મોટાભાગના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે ખાંભાની ધતારવાડી નદી પુર આવ્યું છે.
ભાવનગરમાં મહુવા પંથકમાં ચાર દિવસના વિરામ બાદ મેઘરાજનું આગમન થયું છે. ગઈ કાલે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટા બાદ વરસાદનું આગમન થયું છે. કણકોટ, ઉંચા કોટડા, ઓઠા, કસાણ, ખારી, દયાળ, બગદાણા, સહિતના મહુવા પંથકના ગામમાં મેઘ મહેર. વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થતાં જ ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ખૂશીની લહેર જોવા મળી. દરિયાકાંઠાના ગામોમાં વરસાદ નું જોર વધુ જોવા મળી રહ્યું છે.
રાજકોટમા ગોંડલના મોવિયામાં વરસાદી માહોલ વચ્ચે વીજ શોકનો બનાવ બન્યો હતો. વીજ શોક લાગતા ગાયનું થયું મોત. મોવિયા ગામમાં લોખંડનો વીજપોલ આવેલો છે. સ્થાનિક લોકોને પણ વીજ શોક લાગવાનો ભય. ધોરાજી શહેરમાં વહેલી સવારથી જ વાદળ છાયુ વાતાવરણ હતું. આ પછી વરસાદ કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી છે. ધોરાજી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સરદાર ચોક, ગેલેક્સી ચોક, જેતપુર રોડ, જમનાવડ રોડ,બસસ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ છે.