અરબી સમુદ્રના ડિપ્રેશનની અસર: રાજ્યભરમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, માછીમારોને ચેતવણી
Gujarat Weather: અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Gujarat Weather: અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાત રાજ્યમાં આગામી ૭ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સિસ્ટમની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે, જેના પગલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
માછીમારો માટે ગંભીર ચેતવણી
હવામાન વિભાગે આગામી ૩ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપી છે. દરિયાઈ વિસ્તારોમાં ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે દરિયામાં જોખમી પરિસ્થિતિ સર્જી શકે છે.
આજે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
અમદાવાદ શહેરમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના નીચેના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે:
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત: પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર.
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત: વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.
આગામી બે દિવસની વિશેષ આગાહી
તારીખ: ૩૧ ઓક્ટોબર જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
તારીખ: ૧ નવેમ્બર અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે.
આજે પાંચ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી માવઠાનો માર પડી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે ખેતીમાં નુકસાન પહોંચ્યુ છે. હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યના હવામાન વિભાગ અનુસાર, આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે, હવામાન વિભાગ અનુસાર આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. આજે રાજ્યમાં પાંચ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજકોટ, વડોદરા, સુરત સહિત 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે, અને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. હાલમાં રાજ્યના બંદરો પર LCS-3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ખાસ વાત છે કે, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ઓરેંજ એલર્ટ, દમણ અને દાદરાનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.





















