(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain Update: અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
Gujarat Rain Update: અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. શહેરના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.
Gujarat Rain Update: અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. શહેરના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે એસપી રિંગ રોડ પર ઠેર ઠેર વૃક્ષ ધરાસાયી થયા છે. હાથીજણ વિસ્તારમાં વિંઝોલગામ નજીક વૃક્ષ ધરાસાયી થયું છે. તો બીજી તરફ શહેરના પ્રહલાદનગર, ઈસ્કોન, સરખેજ, સેટેલાઈટ,આનંદનગર વિસ્તારમાં વરસાદ પડ્યો રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. હજુ તે પાણી ઓસર્યા નથી ત્યાં ફરી વરસાદ શરૂ થતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે.
તો બીજી તરફ અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે.આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે.
કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. ભુજ તાલુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ભરાયા છે. ભુજ તાલુકા, માધાપર, ભૂજોડી, મિરઝાપર, સુખપર, માનકુવા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો છે.
વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદ શરુ થયો છે. ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડ્યો છે. સતત અડધા કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તાલુકાના ગોરજ, પિપડીયા, નિમેટા, રસુલાબાદ, વ્યારા પંથકમા જોરદાર વરસાદથી ઠંડક પ્રસરી છે. મુશળધાર વરસાદથી વાઘોડિયાના બજારોમા નદીની માફક પાણી વહી રહ્યા છે. સતત ગરમી અને બફારા વચ્ચે ત્રસ્ત નગરજનોને રાહત મળી છે.
મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કડી, નંદાસણ, વિજાપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વિજાપુરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ પડતા ચારેબાજુ પાણી પાણી થઈ ગયું છે. ગાજવીજ સાથે વરસાદનું આગમન થતા જળાશયોમાં નવા નીર આવ્યા છે.
સુરતના અઠવા, પારલે પોઇન્ટ, મજુરા, પાલ, અડાજણ યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
આગામી બે દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ગાંધીનગરઃ રાજ્યમાં હજુ પણ આગામી બે દિવસ ધોધમાર વરસાદ રહેશે. હવામાન વિભાગે આ અંગેની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉંડની શરુઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે... આજે ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. તો આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં સિઝનમાં અત્યાર સુધી 35 ઈંચ સાથે 106 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગત વર્ષે ૧૧ સપ્ટેમ્બર સુધીમાં 19.74 ઈંચ સાથે સીઝનનો માત્ર 60 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં આ વખતે 72 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 10 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવો માત્ર એક તાલુકો છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 29 ઈંચ સાથે સીઝનનો 161 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં ગત વર્ષે 11 સપ્ટેમ્બર સુધીમાં ૧૦.૬૮ ઈંચ સાથે સીઝનનો માત્ર ૬૧ ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છ ઉપરાંત દક્ષિણ, ઉત્તર ગુજરાત એવા રીજિયન છે જ્યાં સીઝનનો સરેરાશ વરસાદ ૧૦૦ ટકાથી વધુ છે. દક્ષિણ ગુજરાતમાં ૬૭ ઈંચ સાથે ૧૧૫ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં ૩૨ ઈંચ સાથે ૧૧૩ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
બીજી તરફ વરસાદનું પ્રમાણ પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૬ ટકા અને સૌરાષ્ટ્રમાં ૯૪ ટકા છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ ૧૧૦ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ડાંગમાં ૫૭, નવસારીમાં ૮૫ ઈંચ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. કુલ પાંચ તાલુકામાં સીઝનનો ૧૦૦ ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં વલસાડના કપરાડામાં ૧૫૨ ઈંચ, ધરમપુરમાં ૧૨૧ ઈંચ, વાપીમાં ૧૦૮ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.