અમદાવાદમાં વરસાદનો કહેર: ગ્રામ્ય વિસ્તારોથી પોશ સોસાયટીઓ સુધી જળબંબાકાર, પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી
Ahmedabad Rain: દસક્રોઈમાં ભારે વરસાદથી ધોળકા-બદરખા રોડ જળમગ્ન, શેલા અને દાણીલીમડામાં જૂની સમસ્યાઓ યથાવત્; પૂર્વ અમદાવાદમાં પણ પાણી ભરાયા.

Ahmedabad Rain Alert: અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લાના ધોળકા-બદરખા રોડ પર કમરસમા પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. દસક્રોઈ તાલુકામાં પણ ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ તૂટી ગયા છે. શહેરના પોશ વિસ્તાર શેલામાં 7 વર્ષથી પાણી ભરાવવાની સમસ્યા યથાવત્ છે, જ્યારે દાણીલીમડા અને પૂર્વ અમદાવાદના અમરાઈવાડી જેવા વિસ્તારોમાં પણ પાણી ન ઓસરતા લોકો હેરાન છે. આ વરસાદની અસર BRTS બસ સેવા પર પણ પડી છે, જેમાં 313 બસો રિ-શિડ્યુલ કરાઈ છે અને 15 બસો પાણી ઘૂસી જવાને કારણે ઠપ્પ થઈ ગઈ છે.
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે વિકટ પરિસ્થિતિ સર્જી છે. બદરખા-ધોળકા રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યાં કમરસમા પાણી ભરાવાના કારણે વાહનચાલકો અટવાઈ ગયા છે. આ મહત્વપૂર્ણ રોડ ગમે ત્યારે બંધ કરવાની ફરજ પડે તેવી સ્થિતિ છે. દસક્રોઈ તાલુકામાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા પાણીમાં ડૂબી ગયા છે, અને સરોડા-નવાપુરા ગામને જોડતો મુખ્ય માર્ગ પણ જળમગ્ન બન્યો છે. રસ્તાઓ પર થયેલા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે, અને જળભરાવના કારણે ગ્રામ્ય વિસ્તારના રોડ તૂટીને ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે.
પોશ વિસ્તાર શેલામાં પાણીની સમસ્યા
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા શેલા માં સામાન્ય વરસાદમાં પણ સોસાયટીઓ જળમગ્ન થઈ જાય છે. અહીં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી રહેવાસીઓ ભારે પરેશાન છે. આ સમસ્યા કોઈ નવી નથી, છેલ્લા 7 વર્ષથી શેલામાં પાણી ભરાવવાની સમસ્યા યથાવત્ છે અને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
દાણીલીમડા અને પૂર્વ અમદાવાદની સ્થિતિ
શહેરના દાણીલીમડા વિસ્તારમાં વરસાદનો વિરામ થયા છતાં પણ પાણી ઓસરતા નથી, જેના કારણે સ્થાનિકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. શાહ આલમ ટોલનાકા અને પીર કમલ ખાતે પણ વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકો હેરાન-પરેશાન છે.
પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. અમરાઈવાડીમાં વરસાદી પાણી ભરાયા છે, જ્યારે એપરલ પાર્ક મેટ્રો સ્ટેશન નીચે અને અનુપમ સિનેમા રોડ પર પાણી ભરાવાને કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
BRTS સેવા પર અસર
અમદાવાદમાં વરસેલા ધોધમાર વરસાદની સીધી અસર BRTS બસ સેવા પર પણ પડી છે. ભારે વરસાદ અને રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે અત્યાર સુધીમાં BRTS બસની કુલ 313 બસોને રિ-શિડ્યુલ કરવી પડી છે. આ પૈકી 38 BRTS બસો બ્રેકડાઉન થઈ ગઈ છે, અને વરસાદી પાણી બસમાં ઘૂસી જવાને કારણે 15 બસો ઠપ્પ થઈ ગઈ છે. પાણી ભરાવવાના કારણે બે રૂટની બસોને ટૂંકાવાઈ છે, અને ત્રણ રૂટ પરની સિટી બસને અન્ય રોડ પર ડાયવર્ટ કરવી પડી છે, જેનાથી મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો છે.





















