Ahmedabad: જીવરાજ પાર્ક બ્રિજ હીટ એન્ડ રન કેસમાં પોલીસે કાર ચાલકની ધરપકડ કરી
અમદાવાદ શહેરના જીવરાજપાર્ક બ્રિજ પર એક દિવસ પહેલા થયેલા હીટ એન્ડ રન કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.
અમદાવાદ: અમદાવાદ શહેરના જીવરાજપાર્ક બ્રિજ પર એક દિવસ પહેલા થયેલા હીટ એન્ડ રન કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. જીવરાજ ફલાય ઓવર બ્રિજ ઉપર અકસ્માત સર્જી શ્રમિકને મોતને ઘાટ ઉતારનાર કાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે. પરિવારજનોએ આપેલા નંબરના આધારે ટ્રાફિક પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે.
વેજલપુરમાં રહેતા અને દલાલીના ધંધા સાથે જોડાયેલા કાર ચાલક ધવલ વાઘેલાની પોલીસે ધરપકડ કરી છે. નંબર પ્લેટના આધારે તપાસ કરતા આરોપી વેજલપુરના બકેરી સિટીમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. ગાડીના આગળના ભાગમાં વ્યક્તિ અથડાતા તેનું મોત થયું હતું.
જીવરાજ બ્રિજ પર ગોઝારો અકસ્માત સર્જી કારચાલક ફરાર થયો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસ મુજબ, મૃતકની ઓળખ રાજેન્દ્ર પારગી તરીકે થઈ હતી. પોલીસે ફરાર અજાણ્યા કારચાલકની સામે ગુનો નોંધી તેની શોધખોળ શરી કરી જેમાં પોલીસને સફળતા મળી છે.
જીવરાજ પાર્ક ઓવરબ્રીજ પર યુવક બ્રીજ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કાર ચાલકે બેદરકારી પૂર્વક કાર ચલાવી અકસ્માત કર્યો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. અકસ્માત કરનાર કાર ચાલકનો નંબર પોલીસને મળતા નંબરના આધારે વાહન માલિકની માહિતી મેળવી કાર માલિક ધવલકુમાર વાધેલાની અટકાયત કરી છે.