World Cup 2023: વર્લ્ડ કપની પ્રથમ મેચ અમદાવાદમાં, આ રસ્તાઓ સવારે 11 થી રાત્રે 12 સુધી રહેશે બંધ, જાણો વિગતે
ICC World Cup 2023: શહેર પોલીસ કમિશનરે ક્રિકેટ મેચોને લઈ જાહેરનામું પણ બહાર પાડી દીધું છે.
ICC World Cup 2023: આજથી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડકપની પ્રથમ મેચને લઇને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. શહેરમાં નવરાત્રિ અને ક્રિકેટ મેચને લઈને પોલીસ પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત શહેર પોલીસ કમિશનરે ક્રિકેટ મેચોને લઈ જાહેરનામું પણ બહાર પાડી દીધું છે.
ક્રિકેટ વર્લ્ડ કપની કુલ પાંચ મેચ 5 અને 14 ઓક્ટોબર સિવાય 4, 10 અને 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.. જેને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં કયા માર્ગ બંધ રહેશે અને કયા વૈકલ્પિક રૂટનો લોકો ઉપયોગ કરી શકે તેનો ઉલ્લેખ કરાયો છે.
જાહેરનામા અનુસાર જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મેઈન ગેટથી કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા સુધીનો માર્ગ સવારે 11થી રાત્રે 12 વાગ્યા સુધી બંધ રહેશે. વર્લ્ડ કપની મેચ નિહાળવા મોટા પ્રમાણમાં ક્રિકેટચાહકો ઉમટશે એવામાં ટ્રાફિક નિયમન એ સૌથી મોટો પડકાર હોય છે. જેને લઈ ટ્રાફિક વિભાગે પણ આયોજન કર્યું છે. ટ્રાફિક નિયમન માટે 1200 થી વધુ પોલીસકર્મી કાર્યરત રહેશે. પ્રેક્ષકો માટે 15 જેટલા પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરાઈ છે. જેમાંથી ચાર ટુ-વ્હીલર અને બાકીના પાર્કિંગ પ્લોટ ફોરવ્હીલર વાહનો માટે રહેશે.
દરમિયાન ટ્રાફિક સહિત પોલીસના 3 હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રહેશે. મેચના દિવસો દરમિયાન જનપથથી સ્ટેડિયમ, સ્ટેડિયમના મુખ્ય ગેટથી કૃપા રેસિડંસી અને મોટેરા ટી સુધીનો માર્ગ સવારે 11 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી બંધ રહેશે. આ જાહેરનામું આજની મેચ ઉપરાંત બાકી તમામ મેચ માટે લાગુ પડશે. તો રસ્તા પર આડેધડ પાર્કિંગથી કોઈ પણ જગ્યાએ ટ્રાફિક ન થાય તે માટે સતત ક્રેન માર્ગ પર ફરતી રહેશે. તો મેચ દરમિયાન એડીશનલ પોલીસ કમિશનર, 3 ડીસીપી, 4 એસીપી અને 1250 ટ્રાફિકના અધિકારી- કર્મચારી બંદોબસ્તમાં તૈનાત રહેશે.
ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે મેચના દિવસે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. ક્રિકેટ સ્ટેડિયમમાં અવર-જવર માટે મેચના દિવસ દરમિયાન BRTS અને AMTS બસની ફ્રિકવન્સી પણ વધારવામાં આવી છે સાથે જ મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી પણ દર 7 મિનિટે કરાઈ છે અને તેનો સમયગાળો પણ રાત્રે એક વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે જે મેચ જોવા આવનાર દર્શકો માટે ઉપયોગી સાબિત થશે.