લલ્લા બિહારી કેસમાં મોટો ખુલાસો: ચંડોળા તળાવ પાસે ગેરકાયદે બાંગ્લાદેશીઓને વસાવવાનું સુવ્યવસ્થિત નેટવર્ક ઝડપાયું, ૮ એજન્ટના નામ ખુલ્યા
Illegal Bangladeshis in Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આઠ એજન્ટોની સંડોવણીની શક્યતા, બાંગ્લાદેશથી અમદાવાદ સુધી ઘૂસણખોરોને મદદ કરતા હતા, ઝડપાયેલા બાંગ્લાદેશીઓને ૫ ૧૦ દિવસમાં ડીપોર્ટ કરાશે.

Lalla Bihari case latest update અમદાવાદ: અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને વસાવવાના રેકેટમાં ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર લલ્લા બિહારી કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પ્રાથમિક તપાસમાં ગેરકાયદે ઘૂસણખોરોને ભારતમાં લાવવા અને અમદાવાદ સુધી પહોંચાડવા માટે એક સુવ્યવસ્થિત નેટવર્ક કાર્યરત હોવાનું સામે આવ્યું છે, જેમાં આઠ જેટલા એજન્ટોની સંડોવણી હોવાની પ્રબળ શક્યતા છે.
ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને વસાવવાનું નેટવર્ક અને એજન્ટો
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસ મુજબ, લલ્લા બિહારીએ ચંડોળા તળાવ પાસે ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને વસાવવા માટે એક વ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યું હતું. આ નેટવર્કમાં આઠ જેટલા એજન્ટો સક્રિય હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ એજન્ટો બાંગ્લાદેશથી લઈને અમદાવાદ સુધી ગેરકાયદે ઘૂસણખોરોને મદદ કરતા હતા અને તેમને સુરક્ષિત રીતે લલ્લા બિહારી પાસે પહોંચાડતા હતા. આ આઠ એજન્ટોમાંથી બે બાંગ્લાદેશી, બે વેસ્ટ બંગાળના અને ચાર ગુજરાતી હોવાની સંભાવના છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ તમામ એજન્ટોની પણ ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે.
ઝડપાયેલા બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
અમદાવાદ શહેરમાંથી ગેરકાયદે રીતે રહેતા જે બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે, તેમને ટૂંક સમયમાં જ તેમના વતન બાંગ્લાદેશ ડીપોર્ટ કરવામાં આવશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, કેન્દ્રીય એજન્સીએ આ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરવા માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. શક્યતા છે કે આગામી પાંચ થી દસ દિવસમાં આ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરી દેવામાં આવશે. ડીપોર્ટ કરવાની પ્રક્રિયા હેઠળ, તમામ ગેરકાયદે બાંગ્લાદેશીઓને ટ્રેનમાં પોલીસ બંદોબસ્ત સાથે બાંગ્લાદેશની બોર્ડર સુધી લઈ જવામાં આવશે, જ્યાં તેમને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ને સોંપવામાં આવશે. ત્યારબાદ BSF ત્યાંની બાંગ્લાદેશ આર્મીને તેમને હેન્ડઓવર કરશે.
લલ્લા બિહારીના ગેરકાયદે નાણાંકીય વ્યવહારોનો ખુલાસો
આ કેસની તપાસમાં લલ્લા બિહારીની ગેરકાયદે આવક બાબતે પણ મોટો ખુલાસો થયો છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓને વસાવવા અને અન્ય ગતિવિધિઓમાંથી તેણે મોટા પ્રમાણમાં ગેરકાયદે નાણાં કમાયા હોવાનું સામે આવ્યું છે. શક્યતા છે કે તેણે આ ગેરકાયદે નાણાંનો ઉપયોગ કરીને ઉત્તર પ્રદેશના કાસગંજમાં મોટા પ્રમાણમાં જમીનમાં રોકાણ કર્યું છે. આ ઉપરાંત, તેણે ગેરકાયદે નાણાંનો ઉપયોગ કરીને કન્ટ્રક્શન કંપનીમાં પણ રોકાણ કર્યું હોવાનું મનાય છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઇન્કમ ટેક્ષ સહિતની અન્ય કેન્દ્રીય એજન્સીઓની મદદ લઈને લલ્લા બિહારીના તમામ નાણાંકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે, જેથી તેના કાળા નાણાંના સામ્રાજ્યનો પર્દાફાશ થઈ શકે.





















