Ahmedabad: વટવા GIDCમાં ભયંકર આગ, 15થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના વટવા વિસ્તારમાં ભીષણ આગની ઘટના બની છે. વટવા GIDC ફેઝ-4માં આવેલી જયશ્રી કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે.

અમદાવાદ: અમદાવાદના વટવા વિસ્તારમાં ભીષણ આગની ઘટના બની છે. વટવા GIDC ફેઝ-4માં આવેલી જયશ્રી કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ એટલી બધી વિકરાળ છે કે બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. ફાયરવિભાગની કુલ 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. ધુમાડાની અસરના પગલે રોજમદારોને LG હોસ્પિટલમાં ખસેડાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
આગ એટલી બધી વિકરાળ હોવાના કારણે હજુ પણ વધુ 6 જેટલી ગાડીઓની મદદ લેવાય તેવી શકયતા છે. ભયંકર આગના પગલે ઘૂમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આગના પગલે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે.
કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીમાં આગ હોવાનું અનુમાન છે. આ કારણે આસપાસની 4થી 5 કંપનીઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી . આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદના વટવા GIDCમાં લાગેલી આગમાં બે લોકોને LG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક દર્દી 70 ટકા દાજી જતા ક્રિટિકલ કેરમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક દર્દી 18 ટકા જેટલુ દાજી જતા સારવાર શરૂ કરવામાં આવી છે.
આગની ઘટનાને પગલે આ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. કેમિકલ કંપનીમાં આ આગની ઘટના બની છે. વટવા GIDC ઉપરાંત AMC ફાયર વિભાગની મદદ લેવામાં આવી રહી છે. કેમિકલના કારણે ડ્રમમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે. આગને કારણે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે.
પ્રહલાદનગર વિસ્તારમાં પણ લાગી આગ
ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. પ્રહલાદનગર વિસ્તારના વિનસ એટલાન્ટિસ નામની બિલ્ડિંગના બેસમેન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે, આગની ઘટનામાં અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે. પાર્કિંગમાં રહેલા વાહનોમાં લાગેલી આગના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. વધુ તપાસ બાદ જાણી શકાશે કે ક્યાં કારણોસર આગ લાગવાની ઘટના બની હતી.





















