ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો મુખ્યમંત્રીને પત્ર, નવરાત્રીમાં 24 કલાક હોટલ રેસ્ટોરન્ટ ચાલુ રાખવા માંગ
અમદાવાદ જમાલપુર બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. નવરાત્રિમાં સરકારના નિર્ણય અંગે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
અમદાવાદ : અમદાવાદ જમાલપુર બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. નવરાત્રિમાં સરકારના નિર્ણય અંગે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં 24 કલાક હોટલ રેસ્ટોરન્ટ ચાલુ રાખવા અંગે કહેવામાં આવ્યું છે. 2 વર્ષથી કોરોનાના કારણે વેપારીઓના ધંધા ઠપ્પ હોવાથી નિર્ણયમાં ફેરવિચારણા કરવા પત્ર લખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા પછી પણ હોટલ રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું કે કોરોના મહામારી બાદ નવરાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વેપારીઓ ઘંધો કરી શકે તે માટે 24 કલાકની મંજૂરી આપવામાં આવે.
કોરોનાના 2 વર્ષ બાદ રાજ્યમાં નવરાત્રીનું સેલિબ્રેશન ધૂમધામથી થઇ રહ્યું છે. ત્યારે ખાણી પીણીના વેપારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેતા નવરાત્રીના 9 દિવસ રાત્રે 12 વાગ્યા બાદ પણ રેસ્ટોરન્ટ, હોટેલ ઢાબાને ખુલ્લા રાખવાની મંજૂરી અપાઇ છે. ઉલ્લેખનિય છે કે 2 વર્ષ સુધી નવરાત્રીનું સેલિબ્રેશન ન થતાં અને લોકડાઉનના કારણે વેપારી વર્ગને પણ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.જ્યારે આ વર્ષે 2 વર્ષ બાદ નવરાત્રીનું રાજ્યભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે રાજ્ય ગૃહમંત્રીએ ખાણી પીણીની હોટેલને 12 વાગ્યા બાદ પણ ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને વેપારીઓએ આવકાર્યો છે. હવે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ નવરાત્રીમાં 24 કલાક હોટલ રેસ્ટોરન્ટને ખુલ્લા રાખવાની માંગ કરી છે.
છેલ્લા બે વર્ષથી નવરાત્રીના તહેવારની ઉજવણી મહામારીના લીધે થઈ ન હતી. આ વર્ષે નવરાત્રની ઉજવણી બાબતે કોઈ નિયંત્રણ તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું નથી. તેવામાં ખૈલયાઓ ગરબે ઝુમવા માટે કોઈ કચાશ રાખવાના મુડમાં નથી. ગઈકાલે જ રાજ્યગૃહ મંત્રી દ્વારા 12 વાગ્યા સુધી રાજ્યમાં લાઉડ સ્પીકર વાગાડી શકવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આજે વધુ એક જાહેરાત નવરાત્રીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા પછી પણ ખાણીપીણીની દુકાનો ચાલુ રાખી શકાશે. જેથી કરીને હવે ખૈલાયાઓ ગરબા રમ્યા બાદ પોલીસની રોકટોક વગર ખાણી પીણીનો આંનદ માણી શકશે. ગઈકાલે જ ગૃહમંત્રી દ્વારા લાઉડ સ્પીકર અંગે જાહેરાત કરવામાં આવી હતી. જોકે રાજ્ય સરકારના નિર્ણયના કારણે હાલ ખૈલયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. સાથે જ ખાણીપીણીના ધંધાર્થીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. આ વર્ષે હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ લો પ્રેશર સજાર્યું છે જેની અસર ગુજરાતમાં થતાં નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.
રાત્રે 12 વાગ્યા સુધી ગરબાની પરવાનગી
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ હવે ગરબા આયોજકો અને ખેલૈયાઓ માટે માટે રાહતના સમાચાર છે. રાજકોટ શહેર પોલીસે આ પહેલાં 10 વાગ્યા સુધી જ ગરબા માટેના લાઉડ સ્પિકર ચાલુ લાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે, હવે સુચના પ્રમાણે 12:00 વાગ્યા સુધી પરવાનગી આપવામાં આવેલી છે જે પ્રમાણે રાજકોટમાં પણ 12:00 વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવશે. થોડીવાર પહેલા 10 વાગ્યાનો નિર્ણય જાહેર કરાયો હતો જોકે બાદમાં પોલીસ કમિશનર દ્વારા 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરીની જાહેરાત કરવામાં આવી હતી.
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા નવરાત્રી સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નવરાત્રી દરમિયાન ગરબા માત્ર રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની સૂચનાઓ જાહેર કરાઈ હતી. આ સુચનાઓ અંગે પોલીસ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર મુજબ રાત્રીના 10 વાગ્યા સુધી જ ગરબા ચાલુ રાખવાની પરવાનગી અપાઈ હતી. રાત્રીના 10 વાગ્યા બાદ પોગ્રામ ચાલુ રાખવામાં આવશે તો કાર્યવાહી પણ કરવાનો પણ આદેશ અપાયો હતો. જો કે, હવે આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો છે.