Operation Kaveri: ઓપરેશન કાવેરી હેઠળ વધુ 56 ગુજરાતીઓ વતન પહોંચ્યા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફૂલ આપી કર્યું સ્વાગત
સુદાનથી આવેલા ગુજરાતીઓમાં વડોદરા, આણંદ, ગાંધીનગર અને રાજકોટના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
અમદાવાદઃ ‘ઓપરેશન કાવેરી’ હેઠળ સુદાનથી અનેક ગુજરાતીઓ વતન પરત ફર્યા હતા. સુદાનથી રેસ્ક્યુ કરવામાં આવેલા 44 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા હતા.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુલાબનુ ફુલ આપી તમામનુ સ્વાગત કર્યું હતું.ઓપરેશન કાવેરી હેઠળ તમામને પોતાના વતનમાં લાવવામાં આવ્યા હતા.
સુદાનમાં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાયા બાદ ત્યાં રહેતા ગુજરાતીઓને ભારત સરકારે તેમના વતન પરત લાવવા માટે ઓપરેશન કાવેરીની શરૂઆત કરી હતી. 56 ગુજરાતી સુદાનથી મુંબઈ પહોંચ્યા હતા. જેમાં મુંબઈથી અમદાવાદ આવવા માટે 44 ગુજરાતીઓ ગઈકાલે સાંજે નીકળ્યા હતા અને આજે સવારે છ વાગે અમદાવાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. સુદાનથી આવેલા સૌ ગુજરાતીઓનું સ્વાગત અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુલાબના ફૂલ આપી કરાયુ હતું. હર્ષ સંઘવીએ સૌને આવકારતા કહ્યું હતું કે હજુ પણ જે ગુજરાતીઓ સુદાનમાં ફસાયેલા છે તેમને લાવવા માટે ભારત સરકાર સાથે જ ગુજરાત સરકાર પણ સતત પ્રયત્નો કરી રહી છે. અને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તે બાબતે સરકાર ગંભીર છે.
તેમણે કહ્યું હતું કે આ 56 ગુજરાતીઓને સુદાનથી તેમના વતન સુધી પહોંચવા માટે સરકારે તમામ તૈયારીઓ કરી હતી અને ઓપરેશન કાવેરી અંતર્ગત તેમને તેમના વતન પહોંચાડવામાં અમે સફળ રહ્યા છીએ. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા ગુજરાતીઓએ પોતાની વેદના પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર અમને હેમખેમ મોતના મુખમાંથી પરત અમારા ઘરે લઈ આવી છે અમારા નસીબ છે કે અમે જીવતા છીએ.
Operation Kaveri: સુદાનમાંથી પરત ફરેલા રાજકોટના પરિવારે કહ્યું, ફટાકડાની જેમ ફાયરિંગ....
Operation Kaveri:
રાજકોટ પહોંચેલા રૂપેશ ગાંધીએ આપવિતી વર્ણવી તેમણે કહ્યું કે, સુદાનમાં અરાજકતાનો માહોલ છે. ઓપરેશન કાવેરી હેઠળ ભારતીયો પરત આવવા લાગ્યા છે. ડો.રૂપેશ ગાંધી પરીવાર સાથે સુદાનથી પરત આવ્યા છે. તેઓ રાજકોટના ઉપલેટાના રહેવાસી છે. ઉપલેટના ડો રૂપેશ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, 12 દિવસ ત્યાં ખૂબ જ યાતનામય અને મુશ્કેલી અને ભયમાં કાઢ્યા છે. પહેલા તો ફાયરિંગને ફટાકડા ફૂટે તેવું બે દિવસ લાગ્યુ હતું પછી સ્થિતિ કઈ જુદી જ જોવા મળી.
ડો રૂપેશ ગાંધીના પત્નીએ કહ્યું કે, આ દિવસો કેમ પસાર કર્યા તે વર્ણવી શકાય તેમ નથી. જોકે આ પરીવારે ઓપરેશન કાવેરી ચલાવવા પર પીએમ મોદીનો આભાર માન્યો.નોંધનીય છે કે, આ પરીવારનો પુત્ર આત્મીય કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી આ પરીવાર સુદાનથી સીધા આત્મીય યુનિવર્સીટી આવી અને તુરત પોતાના પુત્રને મળી ઉપલેટા જવા રવાના થયા હતા