ICAI દ્વારા મે 2022માં યોજાયેલી CAની પરીક્ષાનું પરિણામ જાહેર, ટોચના 50 રેન્કરોમાં અમદાવાદનાં 5 વિદ્યાર્થી
ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા મે 2022માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઈનલની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં.
અમદાવાદ: ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા મે 2022માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઈનલની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. આ પરીક્ષામાં દેશમાં કુલ આશરે 12,500 જેટલા વિદ્યાર્થીઓ CA તરીકે ઉતીર્ણ થયા છે. મે, 2022માં લેવાયેલી CA ફાઈનલની પરીક્ષામાં ટોચના 50 રેન્કરોમાં અમદાવાદનાં પાંચ વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે. CAની મે, 2022ની ફાઈનલનાં જાહેર થયેલા પરિણામો અંગે ICAIનાં વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું , મે, 2022માં સીએની ફાયનલ પરીક્ષા યોજાઈ હતી. જેમાં સમગ્ર ભારતમાં આશરે 12,500 જેટલા વિદ્યાર્થીઓ સીએ તરીકે પાસ થયા છે. આ વિદ્યાર્થીઓથી દેશભરમાં સાડા ત્રણ લાખથી પણ વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસમાં 12,500 જેટલા નવા સીએનો ઉમેરો થયો છે. જે દેશનાં અર્થતંત્રને આગળ ધપાવવામાં અગ્રણી ભૂમિકા ભજવશે તેવો મને વિશ્વાસ છે.
સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, ICAI દ્વારા તેના પરીક્ષાનાં માળખામાં પણ ધરખમ પરિવર્તન કરવામાં આવ્યું છે. આ વખતે ટેક્નોલોજીનો સર્વ પ્રથમવાર પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે સીએની પરીક્ષાનું પરિણામ વિક્રમજનક રીતે તેના નિર્ધારિત સમય કરતા 20 દિવસ વહેલા આવ્યું છે. આઈસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે, મે 2022માં યોજાયેલી સીએની પરીક્ષાનાં પરિણામની ટકાવારીમાં સામાન્ય વધારો થયો છે. આઈસીએઆઈ દ્વારા વર્ષમાં બે વાર લેવામાં આવતી સીએની પરીક્ષા તેના નિર્ધારિત સમય પ્રમાણે જ હવે થી યોજાશે.
ICAIની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે સીએની પરીક્ષાનાં પરિણામોમાં અમદાવાદ કેન્દ્ર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મે 2022માં યોજાયેલી પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 808 વિદ્યાર્થીઓએ બન્ને ગૃપ માટે પરીક્ષા આપી હતી. જેમાંથી 132 વિદ્યાર્થીઓ બંન્ને ગૃપમાં પાસ થયા હતાં, જે સમગ્ર ભારતની ટકાવારીની સરખામણીએ વધારે છે. જે 16.34 ટકા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રુપ 1માં 931 વિદ્યાર્થીઓમાંથી 184 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 19.76 ટકા છે. ગ્રુપ 2માં 978 વિદ્યાર્થીઓમાંથી 212 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 21.68 ટકા છે.
સીએ બિશન શાહે અમદાવાદ કેન્દ્રમાંથી ટોચનાં 50માં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓ અંગે પણ જાણકારી આપી હતી. અમદાવાદ કેન્દ્રમાંથી પ્રિયાંક પુષ્કરભાઈ શાહને 10મું, ઓમ ચંદ્રકાંતભાઈ અખાણીને 16મું સ્થાન મેળવ્યું છે. ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં અમદાવાદનાં રૂચિત કલ્પેશ વખારીયાને 21મું સ્થાન, ધ્વનિલ મેહુલ શાહને 27મું સ્થાન અને પાર્થ સંજયભાઈ લખતરિયાને 47મું સ્થાન મળ્યું છે.