Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ચોમાસા બાદ ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે. ખાનગી હોસ્પિટલમાં દર વર્ષ કરતાં દર્દીઓમાં દસ ટકાનો વધારો છે.
Dengue Cases: ચોમાસા બાદ ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે. ખાનગી હોસ્પિટલમાં દર વર્ષ કરતાં દર્દીઓમાં દસ ટકાનો વધારો છે. ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગચાળામાં ૧૦૩ થી ૧૦૬ ડિગ્રી તાવ આવવાની ફરિયાદો આવી રહી હોવાની વાત ડોક્ટરે કરી છે.
અન્ય બીમારી ધરાવતા દરદીઓને એકથી બે સપ્તાહ સુધી અસર રહેવાની સ્થિતિ છે. દિવસના સમયે મચ્છર કરડતા હોવાથી નાગરિકો કાળજી રાખે તેવી તબીબોએ સલાહ આપી છે. નાના બાળકો, વૃદ્ધોને તાવ આવે તો હળવાશથી ના લેવા પણ સલાહ આપવામાં આવી છે. એક દર્દીને સરેરાશ ત્રણથી ચાર દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર આપવી જરૂરી છે. આગામી સમયમાં વરસાદનું જોર વધ્યું તો રોગચાળો ફરી માથું ઉચકી શકે છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીનો મેળાવળો જ મળે છે. રાજકોટમાં છેલ્લા 15 દિવસમાં વાયરલ અને મચ્છર અને પાણી જન્ય રોગચાળો વકર્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયા, સિઝન તાવ અને વાયરલ બીમારીઓનો ગ્રાફ ઊંચો આવ્યો છે. હાલ ભાદરવામાં ડબલ ઋતુ અને પાણી જન્ય રોગચાળો માથું ઊંચકે છે.
કોલેરામાં 9 કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે. ગત સોમવારના રોજ આજીડેમ પાસે આવેલા બે વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતો. શહેરમાં ડેન્ગ્યુના 22 થી વધુ કેસ જ્યારે ટાઈફોઈડ ના 2 કેસ તેમજ ચિકનગુનિયા અને મેલેરિયાના નોંધપાત્ર કેસ નોંધાયા છે. સિઝનલ તાવ અને વાયરલ તાવના કેસ 1600 થી વધુ કેસ આવ્યા છે. લોકો મચ્છરથી બચવા માટે લોકોએ પાણીમાં મચ્છરના પોરા ન થાય તે માટે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવી જોઇએ. રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેનડેન્ટ ડો. હેતલ ક્યાડાએ નિવેદન આપ્યું હતું. ગત મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 40 કેસ આવ્યા હતા.આ મહિનામાં છેલ્લા બાર દિવસમાં અંદાજિત ડેંગ્યુના 15 જેટલા કેસ આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ આવી રહ્યા છે. તાવ, શરદી, ઉધરસ સહિતના કેસમાં વધારો થયો છે.
સુરતમાં ડેન્ગ્યુ અને તાવના કેસોમાં વધારો થયો છે. આજે ડેન્ગ્યુના કારણે સ્વીમેર હોસ્પિટલના મહિલા તબીબનું મોત પણ થયું છે. સુરત મહાનગરપાલિકા નાયબ આરોગ્ય અધિકારી જયસુખ વાગડીયાએ કહ્યું કે, ગત 1થી 12 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના 39 અને મેલરીયા 55 કેસ આવ્યા છે. આ વખતે જૂન મહિનાથી અત્યાર સુધી સતત વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને SMCમાં 1500 જેટલાં આરોગ્ય કર્મચારીઓ કાર્યરત છે. 900 કર્મચારીઓ હાઉસ ટુ હાઉસ સર્વે કરી રહ્યા છે. તે ઉપરાંત 686 જેટલો કર્મચારીઓ સર્વલેન્સ સ્ટાફ પણ છે.
SMC આરોગ્ય દ્વારા ત્રણ મહિનામાં 26.60.000 જેટલાં ઘરોમાં સર્વે કરવામાં આવ્યા હતા. જેમાં 68 સ્થળોએ મચ્છરોના લારવા મળી આવ્યા હતા. તે સાથે 8000 જેટલી નોટિસ આપી કુલ રૂપિયા 22.50.000 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ મહિનામાં 631 બાંધકામ સાઈટ ઉપર સર્વે કરવામાં આવ્યો હતો. જ્યાંથી 400 સાઈડને નોટિસ આપી તેમની પાસેથી કુલ રૂપિયા 27 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સૌથી વધારે કેસો ખાસ કરીને ડિંડોલી,ઉધના,પાંડેસરા,બામરોલી વિસ્તારમાંથી આવ્યા છે.
તો બીજી તરફ વડોદરામાં પણ ડેન્ગ્યુનો કહેર યથાવત છે. એસ.એસ.જી.હોસ્પિટલમાં ઓપીડીમાં પણ કતારો લાગી છે. આરએમઓ ડો.હિતેન્દ્ર ચૌહાણ સમીક્ષા માટે ઓપીડી ખાતે આવ્યા હતા. એસ.એસ.જી હોસ્પિટલના આર.એમ.ઓ ડો.હિતેન્દ્ર ચૌહાણે કહ્યું કે, પુર પછી રોગચાળામાં વધારો તો થયો જ છે. ડેન્ગ્યુના કેસમાં પણ સતત વધારો જોવા મળ્યો છે. 6 દિવસમાં ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા છે. હાલ એસ.એસ.જી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. જોકે,હોસ્પિટલ પાસે દવાઓનો પૂરતો સ્ટોક છે. ડેન્ગ્યુના અત્યાર સુધી 262 કેસ નોંધાયા છે. હાલમાં તેનાથી કોઈનું મોત થયું નથી. જ્યારે મેલેરિયાના 132 કેસ, ચિકનગુનિયાના 96 કેસ, ટાઇફોઇડના 56 કેસ, ઝાડા ઉલટીના 1460 કેસ અને તાવના 2102 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો...