Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Dengue Symptoms: રાજકોટ અને અમદાવાદ શહેરમાં રોગચાળો વર્ક્યો છે. ખાનગી હોસ્પિટલમાં ડેંગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે
Dengue Symptoms: રાજકોટ અને અમદાવાદ શહેરમાં રોગચાળો વર્ક્યો છે. ખાનગી હોસ્પિટલમાં ડેંગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે. સિવિલ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. 15 દિવસમાં વાયરલ, મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ડેંગ્યુ , મેલેરિયા, સીઝનલ તાવ અને વાયરલ બીમારીના કેસ વધુ છે. રાજકોટમાં કોલેરાના નવ કેસ નોંધાયા હતા. આજીડેમ નજીકના બે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. ડેંગ્યુના 22, ટાઈફોઈડના 2 કેસ નોંધાયા હતા. સીઝનલ તાવ અને વાયરલ તાવના 1600થી વધુ કેસ છે. અમદાવાદમાં ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગચાળામાં ૧૦૩ થી ૧૦૬ ડિગ્રી તાવની ફરિયાદો જોવા મળી રહી છે.
આ વરસાદી ઋતુમાં સૌથી મોટો ખતરો ડેંગ્યુ છે. વાસ્તવમાં આ ઋતુમાં ચેપ અને બેક્ટેરિયલ રોગોનો ખતરો વધી જાય છે જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે અને લોકો બીમાર પડે છે.
જો કે ડેંગ્યુના લક્ષણો સામાન્ય તાવ જેવા દેખાતા હોય છે પરંતુ કેટલાક લક્ષણો એવા છે જે જો સમય પહેલા ધ્યાનમાં લેવામાં આવે તો તેને નિયંત્રિત કરી શકાય છે. પરંતુ કેટલાક એવા લક્ષણો જેને નજરઅંદાજ કરશો તો જીવલેણ સાબિત થઈ શકે છે.
આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જાવ
નિષ્ણાંતોનું કહેવું છે કે ડેંગ્યુ મચ્છર કરડ્યાના એક અઠવાડિયામાં દર્દીના શરીરમાં ડેંગ્યુના લક્ષણો દેખાવા લાગે છે. તેથી તેની ઓળખ કરવી મહત્વપૂર્ણ છે. જો કે, નિષ્ણાતો કહે છે કે ડેંગ્યુના લક્ષણો એકસરખા હોતા નથી અને કેટલીકવાર દર્દીઓમાં તે અલગ રીતે દેખાય છે.
ડેંગ્યુના કિસ્સામાં દર્દીને ખૂબ જ તાવ આવે છે. આ તાવ ત્રણથી ચાર દિવસ સુધી રહે છે અને જ્યારે આવું થાય ત્યારે દર્દીને ડૉક્ટર પાસે લઈ જવો જોઈએ. વધુ તાવની સાથે ડેંગ્યુના દર્દીઓને માથાનો દુખાવો પણ થાય છે. દર્દીઓને આંખોની નજીક પીડા થાય છે. તેઓને આંખો ખોલવામાં પણ તકલીફ થાય છે.
ડેંગ્યુના તાવના થોડા દિવસો પહેલા દર્દીના શરીર પર લાલ ચકામા અથવા ગુલાબી ધબ્બા દેખાવા લાગે છે. પ્રથમ તેઓ પેટ અને પીઠથી શરૂ થાય છે અને પછી આખા શરીરમાં ફેલાય છે. આ ફોલ્લીઓમાં ખંજવાળ આવે છે અને બળતરા પણ થાય છે. ડેંગ્યુના પ્રારંભિક લક્ષણોમાં હાડકામાં દુખાવો પણ સામેલ છે. હાડકાંની સાથે-સાથે સ્નાયુઓમાં પણ ઘણો દુખાવો થાય છે. જો દર્દી તાવની સાથે નબળાઈ અને થાક અનુભવતો હોય તો તે ડેંગ્યુનું લક્ષણ છે. આ સમયગાળા દરમિયાન પ્લેટલેટ્સ ઘટવાને કારણે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે અને તે ખૂબ જ થાક અને નબળાઇ અનુભવે છે.જો ડેંગ્યુના તાવની વચ્ચે દર્દીના નાક કે પેઢામાંથી લોહી નીકળવા લાગે તો સમજવું કે ડેંગ્યુ જીવલેણ બની રહ્યો છે.
Disclaimer: ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.