અમદાવાદ: ફાયર NOC રીન્યુ ન થયેલી હોસ્પિટલો સામે AMCની લાલ આંખ, જાણો શું કરાયા આદેશ ?
અમદાવાદમાં ફાયર NOC રીન્યુ ન થયેલી હોસ્પિટલો સામે અમદાવાદ કોર્પોરેશને લાલ આંખ કરી છે. AMC દ્વારા આદેશ કરાયા છે કે ફાયર NOC રીન્યુ ન થાય ત્યાં સુધી એક પણ દર્દીને દાખલ ન કરવામાં આવે.
અમદાવાદમાં ફાયર NOC રીન્યુ ન થયેલી હોસ્પિટલો સામે અમદાવાદ કોર્પોરેશને લાલ આંખ કરી છે. બોમ્બે નર્સીગ હોમ્સ એક્ટ 1949 અધિનિયમ અનુસાર AMC દ્વારા આદેશ કરાયા છે કે ફાયર NOC રીન્યુ ન થાય ત્યાં સુધી એક પણ દર્દીને દાખલ ન કરવામાં આવે. અલગ-અલગ 41 હોસ્પિટલને અનેક વખત આદેશ છતાં ફાયર NOC માટે ઉદાસીનતા રાખવામાં આવી છે.
ફાયર NOC રીન્યુ કરાવ્યા બાદ નવા દર્દીઓની ભરતી કરવા AMCએ કડક આદેશ આપ્યા છે. અમદાવાદની 41 હોસ્પિટલોને તાળા લાગશે. જેમાં ફાયર સેફટી તેમજ બીયુ પરમિશન ન હોય તેવી 41 હોસ્પિટલોને દર્દીઓને દાખલ ન કરવા આદેશ અપાયા છે. ફાયર બ્રિગેડે આ હોસ્પિટલોને અગાઉ કોર્પોરેશન દ્વારા જ અપાયેલું સી ફોર્મ રદ કર્યું છે.
જેમાં સાત દિવસમાં દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરી હોસ્પિટલ ખાલી કર્યા બાદ કોર્પોરેશનને જાણ કરવાના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અમદાવાદમાં ફાયર સેફ્ટીનું એનઓસી ન મેળવનાર 95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ અપાઈ છે. આ હોસ્પિટલના સંચાલકોને 7 દિવસનો સમય અપાયો હતો. જો 7 દિવસમાં હોસ્પિટલ તરફથી NOC મેળવવા કોઈ કાર્યવાહી નહીં કરાય તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે કે- જે 95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે તે હોસ્પિટલોને અવાર-નવાર નોટિસ આપવા છતાં ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ નથી લીધુ. 7 દિવસમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
Ahmedabad: ટ્રાફિક નિયમનો ભંગ કરતા પહેલા થઈ જાવ સાવધાન, 65 સિગ્નલ પરથી બનશે ઓટોમેટિક ઈ-મેમો
અમદાવાદવાસીઓએ ટ્રાફિક નિયમના ભંગ બદલ અત્યાર સુધી કરોડો રૂપિયા ઈ-મેમોના દંડ પેટે ભર્યા હોવા છતાં અમુક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા અમદાવાદના ભારે ટ્રાફિકથી ધમધમતા વધુ 20 મુખ્ય રસ્તા ઉપર હવે ઓટોમેટિક ઈ-મેમો તૈયાર થઈ જશે. વધુ 40 ટ્રાફિક સિગ્નલમાં કેમેરા સાથે ઓટોમેટિક ઈ-મેમો તૈયાર થાય તેવું આયોજન કરી દેવાયું છે. હવે કુલ 65 સિગ્નલ ઉપર ઓટોમેટિક ઈ-મેમો બનવા લાગશે તેનાથી વાહનચાલકોને કોઈ ફરિયાદ નહીં રહે તે સાથે જ લોકોની ટ્રાફિક સેન્સમાં વધારો થશે. લેફ્ટ ટર્ન ખૂલ્લો રાખવા બેરિકેટિંગ પછી ઈ-મેમો પદ્ધતિને વધુ મજબૂત બનાવાઈ છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક સિગ્નલ ઉપર નિયમભંગ કરતા વાહનચાલકોને કોઈ શેહ-શરમ કે વિવાદ વગર જ નિયમભંગના ઈ-મેમો ફટકારવા માટે ઓટોમેટેડ સિસ્ટમ શરૂ કરી છે. શહેરના વધુ 40 ટ્રાફિક સિગ્નલ ઉપર હવે ઓટોમેટિક ઈ-મેમો કેમેરા લગાવી દેવામાં આવ્યાં છે. અત્યાર સુધી આશ્રમ રોડ અને સીજી રોડ ઉપરના કુલ 25 કેમેરામાં ઓટોમેટેડ ઈ-મેમો સિસ્ટમ અમલમાં હતી. હવે, શાહીબાગ, સીજી રોડ, મણીનગર, નરોડા વિસ્તાર ટ્રાફિકવાળા મુખ્ય રસ્તાઓ ઉપરના 40 ટ્રાફિક સિગ્નલ ઉપર ઓટોમેટિક ઈ-મેમો જનરેટ થાય તેવા કેમેરા અને સિસ્ટમ્સ લગાવી દેવામાં આવ્યાં છે.