(Source: ECI/ABP News/ABP Majha)
પીએસઆઇની ભરતી પ્રક્રિયાને લઈને ગુજરાત હાઇકોર્ટે અરજદારોને આપી મહત્વની ખાતરી
પીએસઆઇ સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન હાઇકોર્ટે અરજદારોને સલાહ આપી છે કે, પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો. કોર્ટ સમક્ષ તમારી ફરિયાદ સાથે આવ્યા છો તો ન્યાય થશે.
અમદાવાદ: પીએસઆઇ સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન હાઇકોર્ટે અરજદારોને સલાહ આપી છે કે, પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો. કોર્ટ સમક્ષ તમારી ફરિયાદ સાથે આવ્યા છો તો ન્યાય થશે તેવી પણ ખાતરી આપી હતી. તો બીજી તરફ કોર્ટની સરકારને તાકીદ છે કે. 1 જૂન સુધીમાં અરજદારોની ફરિયાદ મુદ્દે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે. એડવોકેટ જનરલ હાજર ના હોય તો ગવર્નમેન્ટ પ્લીડરની ઓફીસ આ મુદ્દે જરૂરી માહિતી મેળવીને કોર્ટ સમક્ષ રજુ કરે.
છેલ્લી 4 મુદતથી સરકાર તરફથી જવાબ રજુ નહિ થયો હોવાની અરજદારોએ ફરિયાદ કરી હતી. કોર્ટ નિર્ણય ના લે ત્યાં સુધી મેઈન પરીક્ષા પર રોક લગાવવા પણ અરજદારોએ માગ કરી હતી. જો કે કોર્ટે કહ્યું કે, આવતી મુદ્દત સુધીમાં સરકાર જવાબ રજૂ ના કરે તો આ રજુઆત કરજો. દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહિં થયું હોવાની ફરિયાદ સાથે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી એવી અરજદારોની ફરિયાદ છે. GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ એવી અરજદારોની રજુઆત છે.
પ્રિલીમ પરીક્ષાના પરિણામમાં મેરીટ વાળા અનામત કેટેગરીના ઉમેદવારોનું જનરલ કેટેગરીમાં માઈગ્રેશન ના થઇ શકે, માત્ર મેઈન એક્ઝામમાં જ આ નિયમ લાગુ પડી શકે એવી પણ રજુઆત કરવામાં આવી હતી. ભરતી બોર્ડે તમામ કેટેગરી મળીને 3 ગણા ઉમેદવારોનો મેરીટમાં સમાવેશ કર્યો હોવાની રજુઆત કરવામાં આવી. જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવાઈ હોવાની પણ ફરિયાદ છે. તો બીજી તરફ એક્સ આર્મીમેનને પણ આ ભરતી પ્રક્રિયામાં અન્યાય થયો હોવાની ફરિયાદો ઉઠી છે. હવે આ બધી ફરિયાદોની 1 જૂનના રોજ સુનાવણી થશે.
ગુજરાત સરકારનો નવતર પ્રયોગ, એક દિવસ માટે વિધાનસભા વિદ્યાર્થીઓના હવાલે
ગાંધીનગર: ગુજરાતમાં નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. ગુજરાતનાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સ્થાન મેળવનારા નિમાબેન આચાર્યના વડપણ હેઠળ ગુજરાત વિધાનસભા વધુ એક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી જુલાઈ માસમાં એક દિવસીય સત્રનું આયોજન કરાશે, જેમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે. આ અંગેના આયોજનની રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 182 વિદ્યાર્થી, જેઓ ધોરણ 11 અને 12માં અભ્યાસ કરે છે તેમના માટે યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ, જેમને એક દિવસીય સત્રમાં બોલાવવાના છે, તેમની પસંદગી રાજ્યના ખૂણેખૂણેથી કરવામાં આવી રહી છે. ખૂબ ઝડપથી જ સમગ્ર કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આ આયોજન અંતર્ગત મીટિંગો પૂરી કરી દેવામાં આવી છે અને સમગ્ર કામગીરી સ્કૂલ પોસ્ટ સંસ્થાને સોંપી દેવામાં આવી છે. અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે, 182 વિદ્યાર્થીને ધારાસભ્ય તરીકે બોલાવવામાં આવશે. આ વિદ્યાર્થીઓમાંથી જ એક વિદ્યાર્થી મુખ્યમંત્રી બનશે, એક વિદ્યાર્થી વિપક્ષ નેતા બનશે, જ્યારે એક વિદ્યાર્થીને અધ્યક્ષ બનાવાશે અને બાકીના 179 વિદ્યાર્થી ધારાસભ્ય તરીકેની ભૂમિકા અદા કરશે.