Gujarat Weather: રાજ્યમાં ગરમીથી મળશે રાહત, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Weather: તાપમાનમાં 3 થી 4 ડિગ્રીની ઘટાડો નોંધાશે અને આવતીકાલથી રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે. પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
Weather Update: ગરમીમાં શેકાતા રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે. તાપમાનમાં 3 થી 4 ડિગ્રીની ઘટાડો નોંધાશે અને આવતીકાલથી રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે. પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઉપરાંત 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત આ દિવસોમાં ગરમી સામે ઝઝૂમી રહ્યું છે. દિલ્હીના નજફગઢમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જો કે, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલ (24 મે)થી હવામાનમાં ફેરફાર થશે. તે જ સમયે, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીથી થોડી રાહત જોવા મળશે.
હવામાન વિભાગે આજથી (23 મે) આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ સહિત સિક્કિમમાં વરસાદની પૂરેપૂરી સંભાવના છે.
પહાડી વિસ્તારોમાં હવામાન આવું રહેશે
પહાડી વિસ્તારોના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હવામાન ખરાબ રહ્યું છે. કેદારનાથ, તુંગનાથ, મધ્યમહેશ્વર, કાર્તિક સ્વામી અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. વરસાદના કારણે કેદારનાથ ધામ યાત્રામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે દસ જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. ભારે પવન અને કરા સાથે વાવાઝોડાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશમાં 26 મે સુધી વરસાદ ચાલુ રહી શકે છે
વાસ્તવમાં, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયન ક્ષેત્રનું હવામાન બદલાઈ ગયું છે. આજે સાંજથી રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે, ત્યારબાદ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હળવો વરસાદ પડી શકે છે, જેનાથી ગરમીથી થોડી રાહત મળી શકે છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં 26 મે સુધી હળવાથી મધ્યમ વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે. આ દરમિયાન 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
ગુજરાતમાં કાળઝાળ ઉનાળો કેર વર્તાવી રહ્યો છે અને છેલ્લા બે સપ્તાહથી તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થયો છે. કાળઝાળ ગરમીને પગલે અમદાવાદની સરકારી અને ખાનગી બ્લડ બેંકમાં 25 ટકા જેટલું બ્લડ ડોનેશન ઘટી ગયું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં હાલ 30 સરકારી અને 150 ખાનગી એમ કુલ 180 બ્લડ બેંક આવેલી છે. સૌથી ઓછી સરકારી બ્લડ બેંક હોય તેવા રાજ્યોમાં ગુજરાત ટોચના 15માં પણ નથી. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 111, તામિલનાડુમાં 106 જ્યારે પશ્ચિમ બંગાળમાં 105 બ્લડ બેંક આવેલી છે. આમ, ગુજરાતમાં ઓછી બ્લડ બેંક વચ્ચે ઉનાળાને પગલે બ્લડ ડોનેશન ઉપર પણ બ્રેક વાગી ગઇ છે. ઓછા બ્લડ ડોનેશનને પગલે વિશેષ કરીને થેલેસિમિયાના દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. બ્લડ ડોનેશનની ઘટનો સામનો સરકારી જ ખાનગી બ્લડ બેંકને પણ કરવો પડી રહ્યો છે.