ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદીઓને 73 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી, મુખ્યમંત્રી પણ રહ્યા હાજર
છેલ્લાં નવ વર્ષમાં દેશમાં દરેક ક્ષેત્રે દિશાસૂચક નિર્ણયો અને લોકાભિમુખ કાર્યો થકી સૌને સાથે લઈને સર્વસમાવેશક વિકાસ થકી આમૂલ પરિવર્તન આણ્યું.

Gandhinagar: અષાઢી બીજના પાવન અવસરે ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના લોકસભા વિસ્તારમાં કુલ 73 કરોડના પ્રજાલક્ષી વિકાસકાર્યોની ભેટ ધરી હતી. AMCનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સિંધુભવન ખાતે ક્રેડાઈ અમદાવાદ સીએસઆર ફાઉન્ડેશન દ્વારા ડેવલપ કરવામાં આવેલા અ. મ્યુ.કો.ગાર્ડન - પીપલ્સ પાર્ક(પીપીપી મોડલ ગાર્ડન)નું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પીપલ્સ પાર્કના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સૌને અષાઢી બીજ અને કચ્છી નવવર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વધતાં જતાં શહેરીકરણ સામે પર્યાવરણ અને પ્રકૃતિનો ખ્યાલ રાખીને શહેરીજનો માટે બનાવવામાં આવેલા સુંદર ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે ક્રેડાઈ ગાહેડનો ધન્યવાદ વ્યક્ત કરું છું. ક્રેડાઈ ગાહેડ દ્વારા આયોજનપૂર્વક બનાવવામાં આવેલ અને મેન્ટેન થનાર આ પાર્ક આસપાસના વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય જાળવણી સાથે વિસામાનું મહત્ત્વનું સ્થાન બની રહેશે.
યોગદિવસ અને યોગવિદ્યાના વૈશ્વિક મહત્ત્વ અંગે વાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાશે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રમાં યોગ દિવસ મનાવનારા વિશ્વના સૌથી પહેલા વડાપ્રધાન બનશે. ભારતની સંસ્કૃતિ, પરંપરા અને વારસાને વિશ્વ સુધી પહોંચાડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. યોગ દિવસ એ આમાંનું જ એક કાર્ય છે. આપણા ઋષિમુનિઓ દ્વારા આપવામાં આવેલી આ ઉત્કૃષ્ટ વિદ્યાને જનસામાન્ય સુધી પહોંચાડવા માટે તથા યોગને જન આંદોલન અને જન અભિયાન બનાવવા માટે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ પ્રયત્નો કરવામાં આવ્યા, જેના લીધે 2014થી લઈને આજ દિન સુધી અનેક લોકો યોગ સાથે જોડાયા અને દવા વગરનું નિરોગી જીવન જીવવા તરફ આગળ વધ્યા. આજે વિશ્વના 170 જેટલા દેશોએ યોગ વિદ્યા અપનાવી છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારના સુશાસનનાં 9 વર્ષ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 2014માં જ્યારે દેશની જનતાએ સંપૂર્ણ બહુમતી સાથે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે આવકાર્યા હતા ત્યારે દેશમાં અનેકવિધ ક્ષેત્રોમાં પરિવર્તનની જરૂરિયાત હતી. વડાપ્રધાનએ છેલ્લાં નવ વર્ષમાં દેશમાં સુરક્ષા, અર્થતંત્ર, મેન્યુફેક્ચરિંગ, ગરીબ કલ્યાણ, વિદેશ સંબંધો, શિક્ષણ, સ્કીલ ડેવલોપમેન્ટ, R & D, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત દરેક ક્ષેત્રે દિશાસૂચક નિર્ણયો અને લોકાભિમુખ કાર્યો થકી સૌને સાથે લઈને સર્વસમાવેશક વિકાસ થકી આમૂલ પરિવર્તન આણ્યું છે. આજે દેશના સરહદી ગામો સહિત છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે. અનેકવિધ જન કલ્યાણકારી યોજનાઓના સુચારું અમલ થકી આજે જનસામાન્યને રોજિંદા જીવનનિર્વાહ માટેની પાયાની જરૂરિયાતો ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ રહી છે. આજે મારા લોકસભા વિસ્તારના ચાંદલોડિયા વોર્ડમાં ₹66.72 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ તથા થલતેજ અને રાણીપ વોર્ડમાં સુંદર ગાર્ડનનાં કામો પ્રજાજનોને અર્પણ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, કુલ 5,42,000 જેટલાં વૃક્ષો વાવીને તેમને ટકાવી રાખીને ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળો લોકસભા વિસ્તાર બનાવવામાં આવ્યો છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 14,000 કરોડના વિકાસકાર્યો પૂર્ણ કરવા બદલ AMC અને ગુજરાત સરકારનો પણ હું આભાર વ્યક્ત કરું છું, એમ તેમણે ઉમેર્યું હતું.
ક્રેડાઈ ગાહેડની સી.એસ.આર પ્રવૃત્તિઓને બિરદાવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ક્રેડાઈ ગાહેડ દ્વારા 12000 ચો.મીટરમાં ₹2.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલું આ ગાર્ડન સંસ્થાની સમાજને મદદરૂપ થવાની ઉમદા ભાવનાની સાબિતી આપે છે. આ ઉપરાંત ક્રેડાઈ ગાહેડ દ્વારા 75 જેટલી આંગણવાડીઓને રમતગમતના સાધનો આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે તથા દિવ્યાંગજનોને રોજગારી આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે પ્રશંસનીય બાબત છે, એમ તેમણે ઉમેર્યું હતું.
પીપલ્સ પાર્કના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજ અને કચ્છી નવવર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરને આજે જનહિતેચ્છુ અને પરગજુ ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહના હસ્તે કુલ 73 કરોડનાં વિકાસકાર્યોની ભેટ મળી છે.
વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીના સતત માર્ગદર્શન અને કાર્યશૈલી અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલી બિપરજોય વાવાઝોડાની આફતમાં વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીનું માર્ગદર્શન અને હૂંફ રાજ્યને સતત પ્રાપ્ત થયા, જેના લીધે યોગ્ય આગોતરા આયોજન થકી આપણે ઝીરો કેઝ્યુલટી સાથે આ આફતમાંથી બહાર આવી શક્યા છીએ. અમિતએ પોતે તરત જ ચક્રવાત પ્રભાવિત કચ્છ જિલ્લાની મુલાકાત લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારની ત્વરિત સહાય માટેની બાંહેધરી પણ આપી છે. આવા ઉત્કૃષ્ટ માર્ગદર્શનના લીધે ગુજરાત કોઈપણ આફત સામે ના ઝુકે છે, ના રોકાય છે, પણ વિકાસ પથ પર સતત આગળ વધતું રહે છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
વડાપ્રધાનના નવ વર્ષના સુશાસન અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા દૂરંદેશી વડાપ્રધાનએ તૃષ્ટીકરણ નહીં, પણ વિકાસની રાજનીતિ અપનાવીને દેશને વિકાસનો નવો રાહ ચીંધ્યો છે. તેમની આ કાર્યશૈલીનો લાભ ગુજરાતને પણ મળ્યો છે. દેશના નાગરિકોની 'ક્વોલિટી ઓફ લાઇફ' અને 'ઇઝ ઓફ લિવિંગ' વધે તેવા અનેકવિધ વિકાસકાર્યો છેલ્લાં 9 વર્ષમાં કરવામાં આવ્યાં છે. 2004થી 2014 સુધીમાં દેશમાં 8 લાખ મકાનો બન્યા હતા, જેની સામે 2015થી 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં કુલ 72.72 લાખ મકાનો બનાવવામાં આવ્યાં છે. સર્વગ્રાહી અને સર્વસમાવેશક વિકાસનું મોડલ વડાપ્રધાનના માર્ગદર્શન અને નેતૃત્વમાં દેશને મળ્યું છે.
ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસ અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમિત શાહના માર્ગદર્શનમાં ગાંધીનગર લોકસભા વિસ્તાર શ્રેષ્ઠ અને હરિયાળો લોકસભા વિસ્તાર બન્યો છે. કુલ 14 હજાર કરોડના વિકાસકામો આ લોકસભા વિસ્તારમાં પ્રજાજનોને અર્પણ કરવામાં આવ્યાં છે. ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને તમામ આધુનિક માળખાકીય સુવિધાઓ સુપેરે ઉપલબ્ધ બને તે માટેના પ્રયાસો અમિત શાહ દ્વારા હંમેશાં કરવામાં આવતા હોય છે. દેશ જ્યારે આઝાદીનો અમૃતકાળ ઊજવી રહ્યો હોય ત્યારે ગુજરાત સરકારે પણ અમૃતકાળનું ઇતિહાસનું સૌથી મોટું રૂપિયા 3 લાખ કરોડનું બજેટ રાજ્યના નાગરિકોના વિકાસ માટે ફાળવ્યું છે. આ ઉપરાંત, આગામી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રૂપિયા પાંચ લાખ કરોડ ફાળવવાનું પણ સરકારનું લક્ષ્યાંક છે. આયોજનપૂર્વકના શહેરી નિર્માણ દ્વારા વિકસિત નગરો, વિકસિત શહેરોનું નિર્માણ કરીને નાગરિકોની સુખાકારી અને સ્વાસ્થ્યમાં વધારો કરીને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવા માટે રાજ્યસરકાર પ્રયાસરત છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકાર્પણ કરવામાં આવેલા અ. મ્યુ.કો.ગાર્ડન - પીપલ્સ પાર્કમાં પ્રકૃતિપ્રેમી જાહેરજનતાના લાભાર્થે 15000 વૃક્ષો, 3000 રોપાઓ, વોકિંગ ટ્રેક, ડ્યુઅલ લાઈટ પોલ્સ, સીસીટીવી કેમેરા, મ્યુઝિક સિસ્ટમ, સુરક્ષાકર્મીઓ માટેની કેબિન, આર્ટ પ્લાઝા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાર્ડનમાં રુદ્રાક્ષના રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે ક્રેડાઇ અમદાવાદ ગાહેડના પ્રેસિડન્ટ તેજસભાઇ જોશીએ સ્વાગત પ્રવચન દ્વારા મહાનુભાવોને આવકાર્યા હતા તથા તેમની સંસ્થાના સી.એસ.આર કાર્યો વિશે ઝલક પૂરી પાડી હતી. સંસ્થાની સી.એસ.આર એકટીવિટી અંતર્ગત દિવ્યાંગજનોને જોબ લેટર પણ આ પ્રસંગે એનાયત કરાયા હતા.
આ લોકાર્પણ પ્રસંગે સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મા, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, ડેપ્યૂટી મેયર મતી ગીતાબેન પટેલ, અમદાવાદના ધારાસભ્ય સર્વે અમિત શાહ,જિતેન્દ્ર પટેલ, ડો.હર્ષદ પટેલ, અમિત ઠાકર, ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત પદાધિકારીઓ અને કાઉન્સિલરો, ક્રેડાઇના પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.





















