Ahmedabad: કેન્દ્રીય ગૃહ અમિત શાહે આજે 154 કરોડ રુપિયાના કામોનું ઈ-લોકાર્પણ કર્યું, સ્માર્ટ શાળા અંગે આપ્યું આ નિવેદન
Ahmedabad News: AMC તથા અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નવનિર્મિત અંદાજે રૂ. 154 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કર્યું હતું.
Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા નવનિર્મિત અંદાજે રૂ. 154 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કર્યું હતું. આજે કોર્પોરેશન અને ઔડા દ્વારા નવનિર્મિત સનાથલ ઓવરબ્રિજ, અનુપમ ( સ્માર્ટ ) પ્રાથમિક શાળા, નવા વાડજ સિનિયર સિટિઝન પાર્ક, સિનિયર સિટિઝન પાર્ક ડી-કેબીન અને જીએસટી ખાતે લેવલ ક્રોસિંગ નં.-4-એનું લોકાર્પણ કરાયું હતુ.
બાળકોને ઉત્તમ ગુણવત્તાયુકત ક્ષિક્ષણ મળી રહે તે હેતુ સાથે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા અનેક સ્કૂલોને સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી રહી છે. pic.twitter.com/FuX4sw6Gmc
— Amit Shah (@AmitShah) March 10, 2023
આ ઈ-લોકાર્પણ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે પોતાના ઉદબોધનની શરૂઆત કરતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસ નિમિત્તે તથા શ્રી સાવિત્રીબાઈ ફૂલેની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રગૌરવ પ્રત્યેના યોગદાનને પ્રણામ કર્યા હતા.
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, ડબલ એન્જિન સરકારનો સંકલ્પ છે કે, ગુજરાતમાં કોઈ વ્યક્તિ ઘરવિહોણી ન રહી જાય. અને તે સંકલ્પને પૂર્ણ કરવા તેજ ગતિથી કામ ચાલી રહ્યું છે. આજે સાણંદની આસપાસ ઔધોગિક વિકાસ પ્રસરી રહ્યો છે માટે સનાથલ ઓવરબ્રિજથી ઘણા લોકોને ફાયદો થશે. સનાથલ બ્રિજની વર્ષોની માંગણી આજે પૂરી થઈ છે, એનો આનંદ છે. આજે શેલા ગામે વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરાયું છે, જેથી ગામના લોકોને ફાયદો થશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ સ્કૂલ એ બાળકમાં સુષુપ્ત રહેલી શકિતને બહાર લાવી ઉજાગર કરવાનું પ્લેટફોર્મ છે. સ્માર્ટ સ્કૂલથી બાળકના શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન આવશે. તેમણે કોર્પોરેશન તથા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો આભાર માનતા જણાવ્યું હતું કે, આજે અમદાવાદમાં 459 જેટલી મ્યુનિ. શાળાઓ આવેલી છે જેમાં 1,70,000 બાળકોનું ઘડતર થઈ રહ્યું છે. આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની 96 સ્કૂલમાંથી 28 સ્કૂલો સ્માર્ટ થઈ છે. તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે, હું ખાતરી આપું છું કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રની વિકાસયાત્રા અવિરતપણે ચાલતી રહેશે.
તો બીજી તરફ અનુપમ સ્માર્ટ સ્કૂલ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નવી શિક્ષણનીતિ અંતર્ગત બાળકના કવોલીટી એજ્યુકેશન, સ્કીલ ડેવલોપમેન્ટ અને સ્માર્ટ લર્નિંગ ટેકનોલોજી પર ફોકસ કરવામાં અનુપમ સ્માર્ટ શાળાઓ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. 'સ્માર્ટ સ્કૂલ,સ્માર્ટ લર્નિંગ, સ્માર્ટ કિડ, સ્માર્ટ ફ્યુચર' ની સ્ટ્રેટેજી સાથે સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવી છે. આજે સરકારી શાળાઓમાં મળી રહેલી સ્માર્ટ અને હાઈટેક શિક્ષણ સુવિધાઓ થકી ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનો રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 28 શાળાઓ સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે. આજે વધુ પાંચ સ્કૂલોનું ઈ-લોકાર્પણ થયું છે ત્યારે આ લોકસભા વિસ્તારના 13000 જેટલા બાળકોને આ શાળાઓનો લાભ મળશે એમ તેમણે ઉમેર્યું હતું.