ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર
આણંદ જિલ્લાના પેટલાદના ધર્મજ ગામમાં દુષિત પાણીથી ફેલાયો રોગચાળો, સત્તાવાર 31 અને બિનસત્તાવાર 100થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ દોડતું થયું.

Jaundice outbreak Dharmaj: આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ ગામમાં પાણીજન્ય કમળાનો રોગચાળો ફેલાયો છે, જેના કારણે ગામમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સત્તાવાર રીતે આરોગ્ય વિભાગ દ્વારા 31 કેસ નોંધાયા છે, પરંતુ બિનસત્તાવાર આંકડો 100 થી પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર પરિસ્થિતિમાં, કમળાના રોગથી પીડિત 16 વર્ષની કિશોરીનું કરુણ મોત થતા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ધર્મજ ગામના ભોઈ વાસ, અક્ષર નગર, વાડી ચોક, મોટી ફળી, નવી ઓડ સહિતના વિસ્તારોમાં કમળાના કેસ વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગામમાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોવાના કારણે દુષિત પાણી ભળી રહ્યું છે, જે કમળાના રોગચાળાનું મુખ્ય કારણ છે. પીવાના પાણીની પાઇપલાઇનમાં ગંદુ પાણી ભળવાથી પાણી દૂષિત થયું છે અને તેના કારણે લોકો કમળાનો ભોગ બની રહ્યા છે. સત્તાવાર રીતે આરોગ્ય વિભાગે 31 કેસ નોંધ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં આ આંકડો ઘણો વધારે હોવાની શક્યતા છે, કારણ કે બિનસત્તાવાર રીતે 100 થી વધુ લોકો કમળાથી પીડિત હોવાનું કહેવાય છે.
ગામમાં કમળાના રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગની 15 જેટલી ટીમો ધર્મજ ગામમાં ડોર ટુ ડોર સર્વે કરી રહી છે અને લોકોના આરોગ્યની તપાસ કરી રહી છે. આ ઉપરાંત, પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોટા ભાગના ઘરોમાં પીવાનું પાણી પીવાલાયક નથી, જે એક ગંભીર ચિંતાનો વિષય છે.
ધર્મજ ગ્રામ પંચાયત દ્વારા પાણી શુદ્ધિકરણ માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગ્રામ પંચાયત દ્વારા માત્ર ઓવરહેડ ટાંકીના પાણીમાં જ ક્લોરિનેશન કરવામાં આવે છે. બોરકુવામાંથી સીધું જે પાણી આપવામાં આવે છે તેમાં ક્લોરિનેશનની કોઈ વ્યવસ્થા નથી. આ ઉપરાંત, પાણીની લાઇનમાં અત્યાર સુધીમાં 11 થી વધુ લીકેજ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે પાણી વિતરણ વ્યવસ્થામાં ગંભીર ખામીઓ છે. ગ્રામ પંચાયતને આ લીકેજને તાત્કાલિક રિપેર કરવાની સૂચના આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
કમળાના રોગચાળાએ એક ગરીબ પરિવાર પર ભારે આફત વરસાવી છે. નવી ઓડ વિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરી ખુશી સુરેશભાઈ ઠાકોરનું કમળાના કારણે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ મોત થયું છે. જ્યારે તેનો સગો ભાઈ પણ કમળાની ગંભીર સારવાર હેઠળ છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ છે.
આ પણ વાંચો...
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
