આણંદના કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના, કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા
જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યાનું સામે આવ્યું છે.
Mass Copy Case: ધોરણ 12ની પરીક્ષા દરમિયાન આણંદમાં કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના બહાર આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યાનું સામે આવ્યું છે. શિક્ષણ અધિકારીને જોઈ અજાણ્યો યુવક ભાગી જતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી છે. પરીક્ષા કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજના પેપરમાં નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરવામાં આવી છે.
ગુજરાત બોર્ડની 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ સોમવાર (11 માર્ચ 2024)થી શરૂ થઈ છે, જે 26 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બોર્ડની પરીક્ષાના પેપરો રાજ્યના તમામ જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવ્યા છે. નકલ મુક્ત બોર્ડની પરીક્ષાઓ યોજવા માટે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે, બોર્ડની પરીક્ષાઓ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ લેવામાં આવશે.
બોર્ડના પેપર સ્ટ્રોંગ રૂમમાંથી સવારે 8 વાગ્યા સુધીમાં પોલીસની સુરક્ષામાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવશે. સ્ટ્રોંગ રૂમમાંથી પરીક્ષા કેન્દ્ર સુધી પેપર પહોંચાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા PATA મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. જેના દ્વારા પેપર સહિતની સામગ્રી ટ્રેક કરવામાં આવે છે અને પેપરની સીલ ખોલતા પહેલા PATA એપ્લિકેશનમાં ફોટો અપલોડ કરવાનો રહેશે.
પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા
ગુજરાતમાં 10માની પરીક્ષા રાજ્યના 84 ઝોનમાં 981 કેન્દ્રો પર લેવાશે. જ્યારે 12માં કોમર્સ અને સાયન્સની પરીક્ષા રાજ્યના 56 ઝોનના 663 કેન્દ્રો પર લેવાશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા બોર્ડ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર તેમની બેઠક વ્યવસ્થા જોવાની પરવાનગી આપે છે. આજે વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને તેમની બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
આ વર્ષે ધોરણ 10માં ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 9.20 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 1.65 લાખ રિપીટર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 12મા કોમર્સ પ્રવાહમાં 4.90 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, જેમાં 75 હજાર રિપીટ થયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 12મા સાયન્સની પરીક્ષા માટે 1.30 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.