(Source: ECI/ABP News/ABP Majha)
Yuvrajsinh Jadeja: ડમીમાં તોડકાંડમાં યુવરાજસિંહને આજે કોર્ટમાં રજૂ કરાશે, યુવરાજસિંહના સાળાની પણ કરાઇ ધરપકડ
મોડી રાત્રે એક વાગ્યાને 20 મિનિટે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે.
LIVE
Background
Bhavnagar News: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ડમીમાં તોડકાંડ મામલે ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રકાશ દવે પાસેથી 45 લાખ તો પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ મળી 1 કરોડ વસૂલ્યાની ફરિયાદ નોંધાઇ છે. મોડી રાત્રે એક વાગ્યાને 20 મિનિટે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. યુવરાજસિંહ સામે ફરીયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લાંબી પુછપરછ બાદ યુવરાજસિંહની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજ સિંહ વિરૂદ્ધ કલમ 388,386 અને 120b હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. હાલમાં યુવરાજસિંહ જાડેજા,કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, ઘનશ્યામ લાધવા અને રાજુ નામ ધરાવતી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.
ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 19મી તારીખે યુવરાજસિંહને સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા હતા. ફરીથી 21 તારીખે પણ સમન્સ આપ્યું હતું અને ઘણા મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવી હતી. સૌથી પહેલા યુવરાજસિંહને સમય આપવામાં આવ્યો હતો કે, તે જે માહિતી હોય તે પોલીસને આપે.
2 પાનામાં કેટલાક નામ લખી યુવરાજસિંહે પોલીસને આપ્યા છે. આ બાબતે પોલીસ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે.
. યુવરાજસિંહ અને તેમના માણસોએ પ્રકાશ દવે અને પ્રદીપ બારૈયા પાસેથી રૂ. 1 કરોડ જબરદસ્તીથી કઢાવ્યાનો આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે.
પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર લગાવ્યાં ગંભીર આરોપ
ડમી કાંડમાં તોડ કાંડ મામલે યુવરાજસિંહ ભાવનગર SOG સમક્ષ હાજર થયા હતા આ પહેલા યુવરાજસિંહ મંદિરમાં દર્શન કર્યા બાદ પગપાળા કૂચ કરી એસઓજી પહોંચ્યાં હતા. યુવરાજસિંહે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને હેરાન ના કરો. હું તમામ પ્રશ્નોના જવાબ આપીશ. હું તપાસમાં સહયોગ કરીશ.
ભાવનગર એસઓજી સમક્ષ હાજર થતા અગાઉ યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેનો પર્દાફાશ કરીશ. અમે જેટલા નામો આપીએ છે તેની તપાસ પોલીસ કરતી નથી.યુવરાજસિંહે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. યુવરાજે કહ્યું હતું કે મોટા રાજકીય માથાઓ અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક રાજકીય નેતાઓએ પાર્ટીમાં આવવાની ઓફર આપી હતી.
યુવરાજે કહ્યું હતું કે, 2004થી ડમીકાંડનું કૌભાંડ ચાલે છે. આ ડમીકાંડથી અનેક લોકો અધિકારીઓ બની ગયા છે. સરકાર આરોપીને સાક્ષી બનાવી અમને સમન્સ પાઠવે છે. ભાજપનો ખેસ પહેરનારાઓને સમન્સ પાઠવવામાં આવતા નથી. કૌભાંડીઓને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળના તત્કાલિન ચેરમેન અસીત વોરાને સમન્સની યુવરાજની માંગ છે.
પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યા હતા. યુવરાજસિંહે જીતુ વાઘાણીના નામનું સમન્સ નીકાળવા માંગ કરી હતી. અવધેશ, અવિનાશ, જસુ ભીલના નામનું સમન્સ નીકળવું જોઇએ. પંચાયત સેવા પસંદગી મંડળના તત્કાલિન અધ્યક્ષનું નિવેદન પણ લેવું જોઇએ.યુવરાજ સિંહે વધુ 30 નામો પોલીસને આપવાનો દાવો કર્યો હતો. યુવરાજસિંહે કહ્યું કે પૂર્વ ગૃહરાજ્યમંત્રી, વર્તમાન મંત્રીને અનેક પુરાવા આપ્યા છતાં કાર્યવાહી નહી. યુવરાજે દાવો કર્યો હતો કે મને પક્ષનો ખેસ પહેરાવવાનો પ્રયાસ થયો હતો.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોતાની ધરપકડ બાદ પહેલું નિવેદન આપ્યું
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોતાની ધરપકડ બાદ પહેલું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મે કોઈ પૈસા લીધા નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, હું કાયદાકીય પ્રક્રિયા કરતો રહિશ. નોંધનીય છે કે, યુવરાજસિંહ જાડેજાને આજે ભાવનગર પોલીસ કોર્ટમાં રજૂ કરશે. બપોરે 4થી 4:30 વચ્ચે યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરાશે. તોડકાંડ અંગે યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડની માંગણી કરશે
ઘનશ્યામ અને બિપીન ત્રિવેદીની પણ અટકાયત
ડમી તોડકાંડમાં છેલ્લા 24 કલાકમાં યુવરાજસિંહ સહિત ચારની ધરપકડ કરી હતી. યુવરાજનો સાળો કાનભા ગોહિલ સુરતના અઠવા ઝોનમાંથી ઝડપાયો હતો. ઘનશ્યામ અને બિપીન ત્રિવેદીની પણ ભાવનગર પોલીસે અટકાયત કરી હતી.
યુવરાજસિંહ જાડેજાના સાળાને સુરતથી ઝડપી લેવામાં આવ્યો
યુવરાજસિંહ જાડેજાના સાળાને સુરતથી ઝડપી લેવામાં આવ્યો હતો. સુરતથી કાનભા ગોહિલની પોલીસે ધરપકડ કરી હતી. કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવવાનો આરોપ છે. 3 એપ્રિલે વિક્ટોરિયા બિલ્ડિંગના પાર્કિંગમાં ઘનશ્યામે કાનભાને 17 લાખ રૂપિયા ભરેલી બેગ આપી હતી. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆરમાં કાનભા ત્રીજા નંબરનો આરોપી છે. કાનભા મૂળ ઘોઘા તાલુકાના ભીકડા ગામનો રહેવાસી છે. સુરત પીસીબીની મદદથી ભાવનગર એસઓજીએ કાનભાને ઝડપ્યો હતો