સૌરાષ્ટ્રની મોટી કોવિડ હોસ્પિટલમાં આગ, 70થી વધુ કોરોના દર્દી હતા સારવારમાં, જાણો વિગતે
આગ બાદ108 અને ખાનગી એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં દરદીઓને ખસેડવામાં આવ્યા હતા.
ભાવનગરઃ રાજ્યમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. જોકે આ વખતે કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી. પરંતુ આગ લાગતાં ફરીથી એક વખત કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી પર પ્રશ્નો ઉભા થયા છે. ભાવનગરના કાળુભા રોડ ઉપર આવેલ એક્સ જનરેશન હોટલ કે જયાં સમર્પણ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે ત્યાં રાત્રે અચાનક ત્રીજા માળે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થઈ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અહીં 70 થઈ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ હતા. આગ બાદ108 અને ખાનગી એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં દરદીઓને ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલના વહીવટાધિકારીઓએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી આપી હતી. આગ લાગી ત્યાર બાદ તમામ દર્દીઓને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેથી તમામ દર્દીઓ સુરક્ષિત છે. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને અનેક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.
આગથી હોસ્પિટલમાં અફડાતફડી
આગ લાગવાના કારણે હોસ્પિટલમાં અફડાતફડી મચી ગઈ હતી અને ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર સાથે બહાર લાવીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમર્પણ કોવિડ સેન્ટર ભાવનગર ના 4 તબીબો ગુલજીતસિંગ તેમજ ડોકટર સાચપરા,ડોકટર જિલન મહેતા અને અમિત પટેલ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે. મંગળવારે રાત્રે 1 વાગે અચાનક આગ લાગતા ફાયરને જાણ કરતા ફાયરના અધિકારી ફાયર ફાયટરો સાથે દોડી ગયા હતા. ઘટનાની ગંભીરતા અને અફરા તફરી નો માહોલ થતા ભાવનગર મનપા કમિશનર એમ એ ગાંધી,જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર, એ એસ પી સફાઇન હસન અને ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના આગેવાનો દોડી આવ્યા હતા અને તાકીદે દર્દીઓ ને અન્યત્ર ફેરવવાની તજવીજ હાથ ધરી હતી.
ભાજપના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી એ જણાવ્યું હતું કે આગનું કારણ જાણી જે કોઈ જવાબદાર હશે તેની સામે પગલા લેવામાં આવશે. આ સમયે તબીબો દ્વારા મીડિયા સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી શૂટિંગના કરવા દબાણ કર્યું હતું પરંતુ ઉચ્ચ અધિકારીની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.
ભરૂચમાં તાજેતરમાં 16 લોકોનાં થયાં હતા મોત
30 એપ્રિલના રોજ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કોરોના કેર વોર્ડમાં રાતના સમયે અચાનક આગ લાગી ગઈ હતી. આગની લપેટો આઈસીયુ વોર્ડ સુધી પહોંચી જવાના કારણે 14 દર્દીઓ અને 2 સ્ટાફ નર્સના ઘટના સ્થળે જ મોત થયા હતા. આગ લાગી તે સમયે હોસ્પિટલના કોરોના વોર્ડમાં આશરે 49 દર્દીઓ દાખલ હતા જેમાંથી 24 દર્દીઓ આઈસીયુમાં હતા.