મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહુવા તાલુકામાં જળબંબાકાર, 4 કલાકથી પાણીમાં ફસાયેલા વ્યક્તિનું દિલધડક રેસ્ક્યૂ
Bhavnagar Rain: સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર સાથે કહેર પણ વરસાવ્યો છે. છેલ્લાં ચોવીસ કલાકમાં ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

Bhavnagar Rain: સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર સાથે કહેર પણ વરસાવ્યો છે. છેલ્લાં ચોવીસ કલાકમાં ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મહુવા તાલુકામાં પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત થયું છે.
જાદરા અને ગુંદરણી ગામમાં પૂરની પરિસ્થિતિ
મહુવા તાલુકાના મોટા જાદરા અને ગુંદરણી ગામ વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં બંને ગામનો સંપર્ક કપાઈ ગયો હતો. ગ્રાસવો નદીમાં આવેલા ભારે પૂરને કારણે નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેના પરિણામે ગુંદરણી અને મોટા જાદરા ગામના લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. પાણીના તેજ પ્રવાહ વચ્ચે કોઝવે પરથી અવરજવર અશક્ય બની ગઈ હતી.
પાણીમાં ફસાયેલા વ્યક્તિનું સફળ રેસ્ક્યુ
આ પરિસ્થિતિ વચ્ચે ગુંદરણી ગામના શીવાભાઈ સોલંકી નામના એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાયા હતા. તેઓ લગભગ ચાર કલાક સુધી પાણીના પ્રવાહમાં અટવાયા હતા. પરંતુ, સ્થાનિક પોલીસ તંત્ર અને વહીવટી વિભાગની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે તેમનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શીવાભાઈ સોલંકીને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત, ટ્રેક્ટરની મદદથી અન્ય ગ્રામજનોને પણ કોઝવે પરથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
શેત્રુંજી ડેમના દરવાજા ખોલાયા, અનેક ગામો એલર્ટ પર
ભાવનગરમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક વધી છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પણ નવા નીરની આવક થતાં ડેમના 59 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીના કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં રાજાસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર, મેઢા, ભેગાળી, દાત્રડ, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, ગોરખી, લીલીવાવ, તરસરા, તળાજા અને સરતાનપર સહિતના ગામોને એલર્ટ કરીને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
ઠાંસા ગામમાં જળબંબાકાર
જિલ્લામાં વરસાદની અસર ઠાંસા ગામમાં પણ જોવા મળી છે, જ્યાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામના અનેક મકાનો અને મંદિરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાં લોકોને મદદ પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.





















