Arvind Kejriwal Gujarat Visit: આ સામાજિક કાર્યકર સહિત ભાજપ-કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા
Arvind Kejriwal Gujarat Visit: ભાવનગરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને દિલ્લીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ લોકોને સંબોધિત કર્યા હતા.
Arvind Kejriwal Gujarat Visit: ભાવનગરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને દિલ્લીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કેટલીક ગેરેન્ટીઓ પણ આપી હતી. વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં પક્ષ પલટાની સિઝન પણ ચાલી રહી છે. આજે ભાવનગર ખાતે અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયાની હાજરીમાં ભાજપના પૂર્વ ઉપ પ્રમુખ અને કોંગ્રેસના ઉપ પ્રમુખ અને એક સામાજિક કાર્યકર આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
તાજેતરમાં ભાજપમાંથી જેનો હોદ્દો છીનવી લેવામાં આવ્યો એવા ભાજપના પૂર્વ ઉપ પ્રમુખ હેમરાજભાઈ સોલંકી અને તાજેતરમાં જ કોંગ્રેસમાંથી સાઈડ લાઈન કરવામાં આવેલા મહેન્દ્રસિંહ ગોહિલ ઉપરાંત સામાજિક કાર્યકર સામત ગઢવી ઉર્ફે સમ્રાટ આ ત્રણેય આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે.
ગુજરાતના શિક્ષીત અને મહેનતું યુવાનો માટે આમ આદમી પાર્ટીનું સરકારી પરીક્ષા ભર્તી કેલેન્ડર!#GujaratYouthWithAK pic.twitter.com/tDDkrzfygX
— Isudan Gadhvi (@isudan_gadhvi) August 23, 2022
10 લાખ લોકોને મળશે નોકરી
દિલ્લીના સીએમ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે ભાવનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતીને લઈને મહત્વની જાહેરાત કરી છે. આ મામલે અરવિંદ કેજરીવાલે ભરતી કેલેન્ડર વિશે પણ વાત કરી છે.
અરવિંદ કેજરીવાલનું ભરતી કેલેન્ડર
- ડિસેમ્બરમાં સરકાર બનશે
- ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા
- એપ્રિલમાં પોસ્ટિંગ
- મેં મહિનામાં ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા
- જુલાઈમાં રિઝલ્ટ
- જુલાઈમાં જેટલા શિક્ષકો હશે તે તમામને પૂછીને જ જગ્યાની પસંદ કરવામાં આવશે
- ઓગસ્ટમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ઉપર પરીક્ષા
- નવેમ્બર માં PSI અને ASIની પરીક્ષા
- ડિસેમ્બરમાં તમામ જગ્યાઓ ઉપર PSI અને ASIનું પોસ્ટિંગ
ગુજરાતના તમામ યુવાનોને 5 વર્ષમાં સરકારી નોકરીઓ આપવામાં આવશે તેવી કેજરીવાલે જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જ્યાં સુધી નોકરીઓ નહીં મળે ત્યાં સુધી 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. 10 લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલે જાહેરાત કરી છે. આ ઉપરાંત પેપર લીક થવા અંગે કડક કાયદો બનાવવાની પણ કેજરીવાલે જાહેરાત કરી છે.
મનીષ સીસોદીયાએ પણ સરકાર પર કર્યા પ્રહારો
સિસોદીયાએ કહ્યું કે, સરકારી નોકરીની ભરતીઓ યોજાઈ અને પેપર લીક થઈ જાય છે. પરીક્ષા સમયે જ પેપર લીક થાય છે. દિલ્લીમાં આપની સરકાર બન્યા બાદ એકપણ પેપર લીક નથી થયું. દિલ્લી હાઇકોર્ટે પેપર લીક કરેલા લોકોને જેલ હવાલે કર્યા છે. દિલ્લીમાં 2 લાખ લોકોને સરકારી નોકરીઓ મળી છે. 10 લાખ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ આપી છે. ગુજરાતમાં યુવાનોને નોકરીઓની ખુબ જ જરૂર છે. નોકરીઓ છે પણ સરકારમાં બેઠેલા લોકો રેકેટ ચલાવી રહ્યા છે. સરકારમાં બેઠેલા લોકો જાણી જોઈને નોકરીઓ દબાવી રહ્યા છે. ગુજરાતમાં પેપર લીક ના થાય જલ્દી લોકોને નોકરીઓ મળે તેવા લોકોને પસંદ કરો. તમારા પ્રેમ અને જોશના હિસાબે મારા ઉપર CBI ના દરોડા પડ્યા છે. કેન્દ્રની સરકાર ગમે તે કરે પણ હું ઈમાનદાર છું એટલે મને કાઈ જ નહીં થાય.