Shetrunji Dam: શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા, નદીમાં પાણી છોડાતા 17 ગામો એલર્ટ પર
Bhavnagar Heavy Rain: શેત્રુંજી ડેમ અત્યારે ઓવરફ્લૉની સ્થિતિમાં પહોંચ્યો છે, અને ઓવરફ્લૉના વીડિયો અને તસવીરો સામે આવી રહી છે

Bhavnagar Heavy Rain: ગુજરાતમાં ચોમાસાને સ્પીડ પકડી છે, પ્રથમ રાઉન્ટડમાં જ સૌરાષ્ટ્ર પાણી-પાણી કરી દીધું છે. છેલ્લા બે દિવસથી ભાવનગર, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, સતત પાણીની આવક વધતા નીચાણવાળા 17 જેટલા વિસ્તારોને એલર્ટ અપાયુ છે. શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવતા 15,340 ક્યુસેક પાણીની આવક સામે 15340 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
ભાવનગરમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે ગઇકાલે સવારે શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો હતો અને બપોર બાદ શેત્રુંજી ડેમ લગભગ 100 ટકા ભરાઇને ફૂલ થઇ ગયો હતો. હાલમાં ભાવનગરનો શેત્રુંજી ડેમ સંપૂર્ણ ભરાયો છે, જેના કારણે ડેમના 59 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. પાણી ઉપરથી વહીને શેત્રુંજી નદીમાં વહી રહ્યું છે. પાણીથી કોઇ જાનહાનિ ના થાય તે માટે નીચાણવાળા અને આજુબાજુના 17 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. શેત્રુંજી ડેમ ઉપરાંત રજાવળ ડેમ પણ સંપૂર્ણ ભરાઇ ગયો છે. રજાવળ ડેમના 8 દરવાજા બે ફૂટ સુધી ખોલાયા છે. ઉમરાળાનો રંઘોળા ડેમ છલોછલ થયો છે અને 12 દરવાજા ખોલીને પાણીને નદીમાં છોડાઇ રહ્યું છે.
શેત્રુંજી ડેમ અત્યારે ઓવરફ્લૉની સ્થિતિમાં પહોંચ્યો છે, અને ઓવરફ્લૉના વીડિયો અને તસવીરો સામે આવી રહી છે. આના પગલે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યાં છે. તળાજા, પાલીતાણા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ઉપરાંત નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ,માયધાર, મેઢા, દાત્રડ, ભેગાળી, પિંગળી, ટીમાણા, સેવળીયા, રોયલ, માખણીયા, ગોરખી ગામ,લીલી વાવ, સરતાનપર, તરસરાને એલર્ટ કરવામાં આવે છે.
પાલીતાણા તાલુકાના રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર મેઢા હાઈ એલર્ટ પર છે. જ્યારે તળાજાના ભેગાડી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાલિયા રોયલ માખણીયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા સરતાનપર હાઈ એલર્ટ પર રખાયા છે.





















