Aadhaar Deactivation: 1.4 કરોડ લોકોના આધાર થયા બંધ, UIDAIએ કેમ કરી કાર્યવાહી?
Aadhaar Deactivation: UIDAI ડિસેમ્બર 2025 સુધીમાં મૃત વ્યક્તિઓના આશરે 20 મિલિયન આધાર નંબરો ડીએક્ટિવેટ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે

Aadhaar Deactivation: તમારા આધાર કાર્ડ અંગે એક મોટા સમાચાર છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ દેશમાં 1.4 કરોડથી વધુ આધાર નંબરો ડીએક્ટિવેટ કરી દીધા છે. જોકે, આ આધાર નંબરો મૃત વ્યક્તિઓના છે. UIDAI દ્વારા આ પગલું ગયા વર્ષે શરૂ કરાયેલ સરકારના ક્લિન અપ ડ્રાઈવનો એક ભાગ છે, જેથી ખાતરી કરી શકાય કે સરકારી યોજનાઓના લાભો યોગ્ય લોકો સુધી પહોંચે અને મૃતકોના નામે ખોટા દાવાઓ અટકાવવામાં આવી શકે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, UIDAIના CEO ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે, "કલ્યાણકારી યોજનાઓની વિશ્વસનીયતા જાળવવા અને કોઈપણ સંભવિત દુરુપયોગને રોકવા માટે મૃતકોના આધાર નંબરો ડીએક્ટિવેટ કરવા જરૂરી છે. આ ખાતરી કરે છે કે જાહેર ભંડોળ કપટપૂર્ણ દાવાઓ અથવા ઓળખ છેતરપિંડી પર વેડફાય નહીં."
2 કરોડ આધાર નંબરો ડિએક્ટિવેટ કરવાનું લક્ષ્ય
હાલમાં આધાર 3,300થી વધુ સરકારી યોજનાઓ સાથે જોડાયેલ છે. UIDAI ડિસેમ્બર 2025 સુધીમાં મૃત વ્યક્તિઓના આશરે 20 મિલિયન આધાર નંબરો ડીએક્ટિવેટ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
UIDAI અધિકારીઓના મતે, આ અભિયાનની સૌથી મોટી સમસ્યા એ છે કે મૃત્યુ નોંધણી માટે આધાર નંબર ફરજિયાત નથી. આનાથી ડેટામાં નોંધપાત્ર ખામીઓ રહે છે. ઘણા કિસ્સાઓમાં આધાર નંબર મૃત્યુ રેકોર્ડમાં નોંધાયેલ નથી અથવા ખોટી રીતે અથવા અપૂર્ણ રીતે નોંધાયેલ છે. વધુમાં ડેટા વિવિધ નાણાકીય અને બિન-નાણાકીય સંસ્થાઓમાં ફેલાયેલો છે, જેના કારણે ચકાસણી અને સમાધાન અત્યંત મુશ્કેલ બને છે.
મૃતક વ્યક્તિઓના નામે લાભો વહેંચવામાં આવે છે
અગાઉ, એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં મૃતક વ્યક્તિઓના નામે સરકારી લાભો જાહેર કરવામાં આવ્યા હતા. UIDAI આ સમસ્યાને ઉકેલવા માટે સતત આ ઝુંબેશ ચલાવી રહ્યું છે.
UIDAI એ નાગરિકોને MyAadhaar પોર્ટલ પર મૃત્યુની માહિતી નોંધાવવા અપીલ કરી છે. CEO કુમારે કહ્યું, "લાખો લાભાર્થીઓની સુરક્ષા માટે સચોટ ડેટાબેઝ જાળવવો જરૂરી છે અને ભારતની ડિજિટલ ઓળખ પ્રણાલીને વધુ મજબૂત બનાવશે."




















