Amazon Hiring: દેશના 35 શહેરમાં આ વર્ષે એમેઝોન 8000ને નોકરી આપશે, આ સેક્ટર્સમાં થશે ભરતી
કંપનીનું લક્ષ્ય 2025 સુધીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે 20 લાખ નોકરીઓનું સર્જન કરવાનું છે.
ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોન આ વર્ષે દેશના 35 શહેરોમાં કોર્પોરેટ, ટેકનોલોજી, ગ્રાહક સેવા અને કામગીરીની ભૂમિકા માટે 8000થી વધુ સીધી નોકરીઓ માટે લાયક ઉમેદવારોની ભરતી કરશે. આ માહિતી કંપનીના એક ઉચ્ચ અધિકારીએ આપી છે. એમેઝોનના HR લીડર-કોર્પોરેટ (એશિયા પેસિફિક અને મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકા) દીપ્તિ વર્માના જણાવ્યા મુજબ, "આ નોકરીની તકો બહુવિધ પ્રોફાઇલ્સ માટે છે, જેમાં કોર્પોરેટ, ટેકનોલોજી, ગ્રાહક સેવા અને કામગીરીની ભૂમિકાઓ સામેલ છે."
તેણી કહે છે કે, “પુણે, સુરત, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ, ગુડગાંવ, મુંબઈ, કોલકાતા, નોઈડા, અમૃતસર, અમદાવાદ, ભોપાલ, કોઈમ્બતુર, જયપુર, કાનપુર, લુધિયાણા સહિત દેશના 35 શહેરોમાં અમારી પાસે 8 હજારથી વધુ સીધી રોજગારીની તકો છે. તેણી કહે છે કે "અમે મશીન લર્નિંગ એપ્લાઇડ સાયન્સ માટે પણ ભરતી કરી રહ્યા છીએ. અમે એચઆર, ફાઇનાન્સ, લીગલ જેવા સહાયક કાર્યોમાં પણ ભરતી કરી રહ્યા છીએ.”
કંપનીએ 2025 સુધીમાં 20 લાખ નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે
તેમણે કહ્યું કે કંપનીનું લક્ષ્ય 2025 સુધીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે 20 લાખ નોકરીઓનું સર્જન કરવાનું છે અને કંપનીએ ભારતમાં 10 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ પહેલેથી જ બનાવી છે. તેમણે એમ પણ કહ્યું કે રોગચાળા દરમિયાન પણ એમેઝોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 3 લાખ લોકોને રોજગારી આપી અને સમગ્ર ભરતી પ્રક્રિયાને વર્ચ્યુઅલ બનાવી દીધી.
દીપ્તિ વર્મા વધુમાં જણાવે છે કે 16 સપ્ટેમ્બરના રોજ કારકિર્દી દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ચ્યુઅલ અને ઇન્ટરેક્ટિવ ઇવેન્ટમાં એમેઝોનનું નેતૃત્વ અને કર્મચારીઓ ભેગા થશે અને એમેઝોન કેટલું શાનદાર વર્કપ્લેસ છે તેના વિશે જણાવવામાં આવશે. આ સાથે આ ઇવેન્ટ દરમિયાન ઘણા વૈશ્વિક અને ભારતીય સેશન્સ, 140 એમેઝોન ભરતી કરનારાઓ નોકરી શોધતા 2000 લોકો સાથે વન ટૂ વન કેરિઅર કોચિંગ સેશન્સ પણ શરૂ કરશે. આ ભરતી કરનારાઓ તમને અસરકારક નોકરીની શોધ, બાયોડેટા બનાવવા અને ઇન્ટરવ્યૂ ટિપ્સ માટે માર્ગદર્શન આપશે. તે ઉમેદવારોને પોતાના માટે યોગ્ય રોજગાર શોધવામાં પણ મદદ કરશે.