Bank Of England Hikes Rates: ફેડ રિઝર્વ પછી બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ફુગાવાને કાબૂમાં લેવા લોન કરી મોંઘી, RBI પર વધ્યું દબાણ
વિશ્વની મોટી સેન્ટ્રલ બેંકો મોનેટરી પોલિસીની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરી રહી છે. તેથી હવે એવું માનવામાં આવે છે કે આ દબાણ હેઠળ આરબીઆઈ પોલિસી રેટમાં પણ ફેરફાર કરી શકે છે.
Bank Of England Hikes Rates: યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યા પછી, બેંક ઓફ ઈંગ્લેન્ડે પણ ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કરીને હવે 4 ટકા કર્યો છે.
ફેડ બાદ બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પણ લોન મોંઘી કરી
બેંક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીએ કોરોના મહામારી અને યુક્રેન પર રશિયાના હુમલા બાદ સતત 10મી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. વાસ્તવમાં, ત્યાં મોંઘવારી 40 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે, જેના પછી બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધારવાનો નિર્ણય લેવો પડ્યો. યુકેમાં ડિસેમ્બર 2022માં ફુગાવાનો દર ડબલ ડિજિટમાં 10.5 ટકા રહ્યો છે. આ પહેલા બુધવારે અમેરિકાના ફેડરલ રિઝર્વે પણ ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં એક ક્વાર્ટર ટકાનો વધારો કર્યો હતો. વાસ્તવમાં, યુક્રેન પર રશિયાના હુમલા બાદથી ખાદ્ય ચીજવસ્તુઓથી લઈને પેટ્રોલિયમ ઉત્પાદનો અને ગેસની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે, જેના કારણે મોંઘવારી વધી છે.
RBI શું કરશે?
વિશ્વની મોટી સેન્ટ્રલ બેંકો મોનેટરી પોલિસીની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરી રહી છે. તેથી હવે એવું માનવામાં આવે છે કે આ દબાણ હેઠળ આરબીઆઈ પોલિસી રેટમાં પણ ફેરફાર કરી શકે છે. આરબીઆઈની નાણાકીય નીતિની બેઠક 5 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન યોજાવા જઈ રહી છે. 7 ફેબ્રુઆરીએ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરશે. જેમાં એવું માનવામાં આવે છે કે RBI રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે એક ક્વાર્ટર ટકાનો વધારો કરી શકે છે. જે બાદ રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થઈ શકે છે.
રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે
અગાઉ પાંચ મોનિટરિંગ કમિટીની બેઠકમાં આરબીઆઈએ રેપો રેટમાં 2.25 ટકાનો વધારો કર્યો છે અને રેપો રેટ 4 ટકાથી વધારીને 6.25 ટકા કર્યો છે. પરંતુ ડિસેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર આરબીઆઈના 6 ટકાથી 5.72 ટકાના સહનશીલતા બેન્ડથી નીચે આવી ગયો છે, ત્યાર બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે રેપો રેટમાં માત્ર 25 બેસિસ પોઈન્ટનો વધારો થશે. જો કે, જો આવું થાય છે, તો હોમ લોન લેનારા ગ્રાહકોની EMI ફરી મોંઘી થઈ શકે છે.