Cello World: પ્રદીપ રાઠોડ બન્યા દેશના સૌથી નવા અબજોપતિ, આઇપીઓએ મચાવી હતી ધૂમ
પ્રદીપ રાઠોડ અને તેમના પરિવાર પાસે સેલો વર્લ્ડમાં લગભગ 78 ટકા હિસ્સો છે. કંપનીએ 617 થી 648 રૂપિયાની કિંમતે IPO લૉન્ચ કર્યો હતો.
Cello World: શેરબજારમાં સેલો વર્લ્ડના IPOની ધમાકેદાર એન્ટ્રીથી દેશને એક નવા અબજોપતિ મળ્યા છે. કેસરૉલ કિંગ તરીકે જાણીતા પ્રદીપ રાઠોડ અબજોપતિઓના લિસ્ટમાં સામેલ થનારા સૌથી નવા બિઝનેસમેન બન્યા છે. શુક્રવારે કંપનીના શેર 788.40 રૂપિયા પર બંધ થયા હતા. આ સાથે સેલો વર્લ્ડની માર્કેટ વેલ્યૂ વધીને 16732.29 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
78 ટકા કંપની રાઠોડના પરિવારની પાસે
પ્રદીપ રાઠોડ અને તેમના પરિવાર પાસે સેલો વર્લ્ડમાં લગભગ 78 ટકા હિસ્સો છે. કંપનીએ 617 થી 648 રૂપિયાની કિંમતે IPO લૉન્ચ કર્યો હતો. તેને બજારમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને તે 39 વખત સબસ્ક્રાઇબ થયો. કંપનીનો પ્રૉડક્ટ પૉર્ટફોલિયો બજારમાં ખૂબ જ લોકપ્રિય છે. કંપની ઘરેલું સામાન, ઉપકરણો, પેન-સ્ટેશનરી અને ફર્નિચરનું ઉત્પાદન કરે છે. કંપનીના શેર સોમવારે શેરબજારમાં આવ્યા હતા. શેરબજારમાં સેલો વર્લ્ડના પ્રદર્શનથી તેના શેરધારકો પણ ઘણા ખુશ છે.
કોણ છે પ્રદીપ ધિસુવાલ રાઠોડ
સેલો વર્લ્ડના ચેરમેન અને એમડી પ્રદીપ ઘીસુલાલ રાઠોડનું દરેક ઘર સુધી કેસરૉલ પહોંચાડવામાં મોટો ફાળો છે. તેમણે ભારતમાં પ્લાસ્ટિક ઉત્પાદનોને નવી દિશા આપી. તેમના નેતૃત્વ હેઠળ જ કંપનીએ 2017માં ગ્લાસવેર અને ઓપલ વેર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. નિષ્ણાતો માને છે કે દેશભરમાં મજબૂત બ્રાન્ડ ઇમેજ અને કંપનીના ઉત્પાદનોની પહોંચના કારણે IPOને આટલી સફળતા મળી હતી. રાઠોડ પ્લાસ્ટિક અને થર્મોવેર ઉદ્યોગમાં 40 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના બે પુત્રો ગૌરવ અને પંકજ પણ કંપનીમાં જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે.
ધિસુવાલ રાઠોડે 1967માં નાંખ્યો હતો સેલોનો પાયો
પ્રદીપ રાઠોડના પિતા ઘીસુલાલ રાઠોડે 1967માં સેલો વર્લ્ડનો પાયો નાખ્યો હતો. શરૂઆતમાં કંપની જૂતા, ચપ્પલ અને બંગડીઓ બનાવતી હતી. કંપનીએ 1980 માં કેસરૉલ્સ બનાવવાનું શરૂ કર્યું. ઘીસુલાલે તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન સૌપ્રથમ કેસરૉલ્સ જોયા હતા, જેનો ઉપયોગ ખોરાકને ગરમ અને તાજો રાખવા માટે થતો હતો. આ પછી તેણે ભારતીય બજારમાં કેસરૉલ લૉન્ચ કરી.
કેટલાય સેગમેન્ટમાં સફળ થઇ કંપની
કેસરૉલની સફળતાથી પ્રોત્સાહિત થઈને, સેલો વર્લ્ડે ઘણા સેગમેન્ટમાં ઉત્પાદનો લૉન્ચ કર્યા, જે સફળ રહ્યા. અગાઉ આ જ જૂથની વિમ પ્લાસ્ટ શેરબજારમાં પ્રવેશી હતી. તેની બજાર કિંમત લગભગ 700 કરોડ રૂપિયા છે. હાલમાં સેલો વર્લ્ડના દેશભરના 5 શહેરોમાં 13 પ્લાન્ટ છે.
ચેરિટી પણ કરે છે રાઠોડ
પ્રદીપ રાઠોડ એક સફળ બિઝનેસમેન હોવા ઉપરાંત સામાજિક કાર્યો સાથે પણ જોડાયેલા છે. તેઓ બદામિયા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને જીતો એડમિનિસ્ટ્રેટિવ ટ્રેનિંગ ફાઉન્ડેશનના પ્રમુખ પણ છે.