Cyclone Tauktae : ગુજરાતના દરિયા કિનારાની નજીક પહોચ્યું વાવાઝોડુ, લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ: IMD
થોડા કલાકોમાં તૌક્તે વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે. આ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાની નજીક પહોચ્યું છે. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા 2 કલાકમાં શરૂ થશે. આ માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
ગાંધીનગર: થોડા કલાકોમાં તૌક્તે વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે. આ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાની નજીક પહોચ્યું છે. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા 2 કલાકમાં શરૂ થશે. આ માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડાની સ્થિતિની છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિનો તાગ મેળવવા આજે રાત્રે ગાંધીનગર માં સ્ટેટ કન્ટ્રોલ રૂમ પહોંચીને દરિયા કાંઠા ના જિલ્લાઓ સહિત રાજ્યની સ્થિતિની સમીક્ષા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સથી કરી હતી.
તૌકતે વાવાઝોડું ગુજરાતની નજીક આવી પહોંચ્યું છે. ત્યારે ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. એવામાં તૌકતે વાવાઝોડાની અસર ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં જોવા મળી રહી છે. રાજ્યના અલગ અલગ શહેરમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.
જાફરબાદમાં વાવાઝોડાની તોફાની અસર જોવા મળી રહી છે. ભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાને લઈને ઇન્ડિયન આર્મી મેદાને આવી છે. જામનગરના આર્મી સ્ટેશનથી 12 ટીમ રવાના કરાઇ છે. વાવાઝોડાના પગલે બચાવ અને રાહત કામગીરી માટેની સાધન સામગ્રી સાથે આર્મીની ટીમ તૈયાર થઇ છે. આ આર્મીની ટુકડીઓની ટીમ પોરબંદર અને દિવ ખાતે રાહત અને કામગીરીમાં જોતરાશે.
ગુજરાતમાં તૌક્તે વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વાવાઝોડાને પગલે ગુજરાતમાં આર્મીની લગભગ કુલ 180 ટીમોને સજ્જ કરાઇ છે. જેમાં એન્જીનીયર ટાસ્ક ફોર્સ કોવિડ પ્રોટોકોલ્સના આધારે લોકોને સહાય અને તમામ પ્રકારની સહાય પૂરી પાડશે.
વાવાઝોડાની મહત્તમ અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેશે. જેથી આર્મીની ટીમ મોટાભાગે સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે આર્મીની 60 ટીમે સુસજ્જ રખાઇ છે. જેમાં દરેક ટીમમાં 6 જવાનો કાર્યરત રહેશે. જે દીવ અને પોરબંદર સહિતના વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરશે. આ સિવાય ગુજરાતના અનેક શહેરોમાં વાવાઝોડાની અસર વર્તાશે. જેને અનુસંધાને પણ બાકીની આર્મીની ટુકડીઓ સુસજ્જ કરાઇ છે.